Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

'લાલ સિંહ ચટ્ટા'માં કેમિયો કરશે શાહરૂખ ખાન

આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચટ્ટા' ૨૦૨૧માં રિલીઝ થવાની છેઃ ફિલ્મમાં કરીના કપૂર ખાન લીડ રોલમાં છે

મુંબઇ, તા.૯: બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન દુબઈમાં બર્થ ડે સેલિબ્રેટ કરીને હાલમાં જ મુંબઈ પરત ફર્યો છે. શાહરૂખ અને તેનો પરિવાર IPL ૨૦૨૦માં પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને સપોર્ટ કરવા માટે દુબઈ પહોંચ્યા હતા. શાહરૂખ દુબઈ ગયો તે પહેલા આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચટ્ટા'માં કેમિયોનું શૂટિંગ કર્યું હતું.

આમિર ખાન દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે શાહરૂખ ખાન પણ પોતાના ભાગનું શૂટિંગ કરવા માટે દેશની રાજધાની ખાતે પહોંચ્યો હતો. મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, શાહરૂખ અને આમિર ખાનને સાથે શૂટિંગ કરીને ખૂબ મજા પડી હતી. રસપ્રદ વાત તો એ છે કે, આમિર ખાને કિંગ ખાન શાહરૂખના સીન ડાયરેકટ કર્યા હતા. કામ પત્યા પછી બોલિવુડના બે ટોચના ખાને એકબીજા સાથે હળવાશની પળો પણ વિતાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચટ્ટા'ની વિઝયુઅલ ઈફેકટ્સ શાહરૂખ ખાનની કંપની સંભાળી રહી છે. 'લાલ સિંહ ચટ્ટા' હોલિવુડની હિટ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન ફીમેલ લીડ રોલમાં છે. કરીનાએ હાલમાં જ પોતાના ભાગનું શૂટિંગ પૂરું કર્યું છે. અદ્વૈત ચંદનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'લાલ સિંહ ચટ્ટા' આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે ક્રિસમસ ૨૦૨૧ દરમિયાન રિલીઝ થશે.

આ તરફ શાહરૂખ ખાને હજી પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, શાહરૂખ ૬ નવા પ્રોજેકટમાં જોવા મળશે. જો કે, તેણે હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. ચર્ચા તો એવી પણ છે કે, શાહરૂખ રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. શાહરૂખ છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ 'ઝીરો' જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ હતા. આ ફિલ્મ બોકસ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. આ પછીથી શાહરૂખ ખાન એકપણ ફિલ્મમાં જોવા મળ્યો નથી અને તેના ફેન્સ આતુરતાથી તેના કમબેકની રાહ જોઈને બેઠા છે.

(3:39 pm IST)