Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

કંડોલિયા ફિલ્મ્સની બે ફિલ્મને એક સાથે ૧૭ એવોર્ડ

મારા મલકના મેના રાણી ફેઇમ હવે કયારે મળીશું ફિલ્મને ૮ નોમિનેશન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯ :  છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડ.માં સફળતાનો સડસડાટ ગ્રાફ ચડતા કંડોલિયા ફિલ્મ્સ પ્રોડકશન વધુ એકવાર ચમકયું છે.

કંડોલિયા ફિલ્મ્સની ૨ ફિલ્મને એક સાથે ૧૭ એવોર્ડ માટે નોમિનેશન્સ જાહેર થયા છે.

ગુજરાતી ફિલ્મ 'હવે કયારે મળીશું'નું તાજેતરમાં સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવતું ગીત 'મારા મલકના મેના રાણી..એ લાખો લોકોના દિલ ડોલાવ્યા છે. તે ફિલ્મ 'હવે કયારે મળીશું' ને અલગ અલગ એવોર્ડ માટે કુલ ૮ નોમીનેશન જાહેર થયા છે, અને આ ફિલ્મની સાથે કંડોલિયા ફિલ્મ્સની જ ગત વર્ષની બીજી સફળ ફિલ્મ 'સાજણ પ્રીતની જગમાં થાશે જીત' ને અહેસાસ પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ ૨૦૧૯/૨૦૨૦ મા ૯ કેટેગરીમાં નોમિનેશન મળતા કંડોલિયા ફિલ્મ્સની ૨ ફિલ્મને કુલ ૧૭ નોમિનેશન મળ્યા છે.

કોરોનાના કહેર અને લોકડાઉનના કારણે ગત વર્ષે ન યોજાયેલ અહેસાસ પીપલ ચોઇસ એવોર્ડ આ વર્ષે ૨૦૧૯/૨૦ ની ફિલ્મોનો સંયુકત એવોર્ડ આપશે.

અમદાવાદ ખાતે યોજાનાર EHSAAS પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ ૨૦૧૯/૨૦૨૦ માટે કંડોલિયા ફિલ્મ્સની 'હવે કયારે મળીશું' ફિલ્મમાં બેસ્ટ ડિરેકટર હર્ષદ કંડોલિયા ,બેસ્ટ એકટર જીગ્નેશ બારોટ (કવિરાજ),બેસ્ટ કોરિયોગ્રાફર માધવ કિશન, બેસ્ટ સપોટીંગ એકટ્રેસમાં શ્રેયા દવે, બેસ્ટ કોમિક રોલમાં અશ્વિન ગોહિલ ,બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ કવિતાદાસ ,બેસ્ટ એડિટર ઘનશ્યામ તળાવિયા અને બેસ્ટ ડાયલોગ અશોક ગોસ્વામી અને પરેશ વ્યાસ સાથે ૮ કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. જયારે વર્ષ ૨૦૧૯ના સફળ ફિલ્મ 'સાજણ પ્રીતની જગમાં થાશે જીત' ને બેસ્ટ ફિલ્મમાં તથા બેસ્ટ એકટ્રેસમાં પ્રિનલ ઓબેરોય ,બેસ્ટ નેગેટિવ રોલ માટે ફિરોઝ ઈરાની, બેસ્ટ કોમિક રોલ માટે જીતુ પંડ્યા, બેસ્ટ સંગીતકાર મનોજ-વિમલ, બેસ્ટ ડાયલોગ રાહુલ વેગડ ,બેસ્ટ કોરિયોગ્રાફર માધવ કિશન ,બેસ્ટ આર્ટ ડિરેકટર સ્વ. કંચનલાલ નાયક સહિત ૯ કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે.

કંડોલિયા ફિલ્મ્સ(ભાવનગર)ની ૨ ફિલ્મોને ૧૭ કેટેગરીમાં નોમિનેશન મળતા કલાપ્રિય નગરી ભાવેણાના લોકો અને કંડોલિયા ફિલ્મ્સના નિર્માતા હર્ષદ કંડોલિયા અને ખુશ્બુ શાહની સાથે પુરી ટીમમાં ઉત્સાહ છવાયો છે. કંડોલિયા ફિલ્મસ છેલ્લાં કેટલાક સમયથી એક થી એક ચડિયાતી સુમધુર ગીતો સાથેની સફળ ફિલ્મો આપી ગુજરાતી ફિલ્મ જગતમાં અલગ સ્થાન બનાવ્યું છે, સાથો સાથ ભાવનગરનું ગૌરવ બન્યું છે!.

(11:36 am IST)