Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

કિરણ કુમાર અભિનીત ગુજ્જુ ફિલ્મ 'હવે થશે..બાપ રે' 18 જાન્યુઆરીએ થશે રિલીઝ

મુંબઈ:આગામી 18, જાન્યુઆરી, 2019ના રોજ કિરણ કુમાર અભિનીત ગુજરાતી ફિલ્મ “હવે થશે…બાપ રે…” રિલીઝ થવા જઇ રહી છે. જ્યારે આ ફિલ્મના સ્ટાર કાસ્ટ સાથે સંદેશ ટીમ દ્વારા ખાસ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. જેમાં ફિલ્મના મુખ્ય અભિનેતા કિરણ કુમાર સાથે થયેલી ખાસ વાતચીત દરમિયાન તેમણે ફિલ્મના વિષય-વસ્તુ અને પાત્રો વિશે ખાસ માહિતી આપી હતી. સંપૂર્ણ પારિવારિક એવી આ ફિલ્મના ડિરેક્ટર છે નીરવ બારોટ જેમની આ બીજી ફિલ્મ છે કે જેમાં તેમણે મુખ્ય પાત્ર તરીકે બૉલીવુડના જાણીતા કલાકાર કિરણ કુમારની પસંદગી કરી છે. જેઓ આ ફિલ્મમાં KKનું પાત્ર ભજવી રહ્યા છે, અભિનેત્રી કુમકુમ દાસ કે જે KKની પત્નીનું પાત્ર ભજવી રહ્યા છે અને અભિનેત્રી ક્રિના શાહ કે જે ફિલ્મમાં KKની વહુ આરતીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર જોશો તો તમને અંદાજો આવશે કે આ ફિલ્મ ક્યાંક ને ક્યાંક પારિવારિક સંબંધોની આસપાસ ફરે છે. જેમાં એક પિતાનો દીકરા સાથેનો એક પિતા તરીકેનો વ્યવહાર, KKનો પત્ની અને વહુ સાથેનો વ્યવહાર સાથે જ સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકેનો એક પુરૂષનો વ્યવહાર કેવો હોય છે તે જોવા મળશે. એટલે કે ડિરેક્ટર દ્વારા પરિવારની આસપાસ ઉભા થતા પ્રશ્નોને લોકો સામે લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જેમાં દરેક પરિવારમાં આવા નાના-મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે. આ ફિલ્મમાં એક 6 વર્ષના નાના બાળકથી લઇને જીવન હારી ગયેલા વૃદ્ધ સહિતના દરેક પાત્રોને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે જોવા જઇએ તો આ એક સંપૂર્ણ પારિવારીક ફિલ્મ છે.કિરણ કુમાર એક બૉલીવુડ અભિનેતા જે જેમણે લગભગ 80 જેટલી ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે. જેને ગુજરાતના લોકો દ્વારા ખૂબજ પ્રેમ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે આ ફિલ્મમાં એકપણ ઍક્શન નથી, ફિલ્મ એકદમ અલગ છે. ફિલ્મમાં એક લાફો પણ કોઇને મારવામાં આવ્યો નથી અને સૌથી ખાસ વાત એ છે કે મેં આવી ફિલ્મ પેલા ક્યારેય પણ કરી નથી. ખાસ તો ફિલ્મ જોતા-જોતા લોકો પોતાની જાતને આ ફિલ્મના પાત્રો સાથે ક્યાંકને ક્યાંક કનેક્ટ કરવાનો પ્રયત્ન પણ કરશે અને કનેક્ટ કરવામાં સફળ પણ થશે.આ ફિલ્મ અમદાવાદ અને આબૂમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મને ગરમીના દિવસોમાં શૂટ કરવામાં આવી હતી અને 25થી 28 દિવસમાં શૂટ કરવામાં આવી હતી.

 

(5:45 pm IST)