Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ત્રણ ફિલ્મો 'બાલા', 'સેટેલાઇટ શંકર' અને 'બાયપાસ રોડ' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'બાલા', 'સેટેલાઇટ શંકર' અને 'બાયપાસ રોડ' રિલીઝ થઇ છે.

નિર્માતા દિનેશ વિજાન અને નિર્દેશક અમર કૌશિકની ફિલ્મ 'બાલા'માં સંગીત સચીન-જીગરનું છે. ફિલ્મનું લેખન નિરેન ભટ્ટે કર્યુ છે. ૧૩૩ મિનીટની લંબાઇ ધરાવતી આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના બાલા ઉર્ફ ગૌરવ રાવત નામના યુવાનના રોલમાં અને યામી ગૌતમ પરી તથા ભૂમિ પેડનેકર નિકીતાના પાત્રોમાં છે. જાવેદ જાફરી બચ્ચન ભૈયા, સૌરભ શુકલા બાલાના પિતા અને સિમા પાહવા નિકીતાના માતાના રોલમાં છે. અભિષેક બેનર્જી તથા ધીરેન્દ્ર કુમારની મુખ્ય ભુમિકા છે. સોનમ બાજવા અને હાર્ડી સન્ધુ આઇટમ સોંગમાં જોવા મળશે. ગૌરવ રાવત યુવાન વયે જ માથાના વાળ ખરી જવાની સમસ્યાથી પરેશાન યુવાનના રોલમાં છે. આ કારણોસર તેને કઇ-કઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેના કારણે કેવી કોમેડી સર્જાય છે તે ફિલ્મમાં દેખાડાયું છે. આ ફિલ્મનું શિર્ષક આયુષ્યમાન ખુરાનાએ જ નિર્માતા-નિર્દેશકને આપ્યું હતું. જેણે પસંદ કર્યુ હતું. ખુબ જ અલગ, નાનુ, મજેદાર શિર્ષકની જરૂર હતી. જેથી બાલા નામ સૌને ગમ્યું હતું. જે કહાનીને અનુરૂપ પણ હતું.

બીજી ફિલ્મ 'સેટેલાઇટ શંકર'ના નિર્માતા મુરાદ ખેતાણી, અશ્વિન વર્દે, ભૌમિક ગોંડલિયા અને નિર્દેશક ઇરફાન કમાલ છે. ફિલ્મનું લેખન પણ ઇરફાનનું છે. સંગીત મીથુન, રોચક કોહલી, તનિષ્ક બાગચી, સંદિપ શિરોડકરનું છે. આ ફિલ્મમાં સુરજ પંચોલી શંકરના રોલમાં છે જે ફૌજી છે. મેઘા આકાશ, ઉપેન્દ્ર લિમાયે, પાલોમી ઘોષ, રાજ અર્જુન મુખ્ય રોલમાં છે. સલમાન ખાન કેમિયો કરતો જોવા મળશે. આદિત્ય પંચોલીના દિકરા સુરજને સલમાન ખાને જ બોલીવૂડમાં લોન્ચ કર્યો હતો. સુરજની આ બીજી ફિલ્મ છે. જેમાં તે ફૌજીના રોલમાં છે. તે એવો સૈનીક છે જે પોતાના અધિકારીઓ અને દેશ પર આવનારી મુસિબતોમાંથી સૌને બચાવવા સતત લડતો રહે છે. સુરજની પહેલી ફિલ્મ હીરો ત્રણ વર્ષ પહેલા આવી હતી. સેટેલાઇટ શંકર ફિલ્મનું ઘણુ ખરુ શુટીંગ કાશ્મીરમાં પણ થયું છે. આ ઉપરાંત બીજા નવ રાજ્યોમાં પણ શુટીંગ કરવામાં આવ્યું છે.

ત્રીજી ફિલ્મ 'બાયપાસ રોડ'ના નિર્માતા  મદન પાલીવાલ અને નિલ નિતીન મુકેશ તથા નિર્દેશક નમન નિતીન મુકેશ છે. ફિલ્મનું લેખન નિલ નિતીનનું છે. સંગીત રાજ આશૂ, રોહન-રોહન અને શારીબ-તોશીનું છે. ફિલ્મમાં નિલ નિતીન મુકેશ, અદા શર્મા, સમા સિકંદર, સુધાંશુ પાંડે, રજીત કપૂર, ગુલ પનાગ, તૃપ્તી શુકલા, મનિષ ચૌધરી, તાહેર શબ્બીર, પહલ માંગે, વરૂણ સિંઘ રાજપૂત, એરોલ પીટર માર્કસ, મુકેશ ભટ્ટ અને રામ સુજાનસિંઘની મહત્વની ભુમિકા છે. થ્રીલર ડ્રામા પ્રકારની આ ફિલ્મ નિલ માટે ખુબ મહત્વની છે. તેણે પોતે કહાની સ્ક્રીન પ્લે લખ્યા છે અને અભિનય પણ આપ્યો છે.

 

(10:21 am IST)