Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

પ્રભાસ સાથે કામ કરવાના વિચારથી ઉત્સાહી છે જેકી દાદા

મુંબઈ:બાહુબલિ ફેમ ટોચના અભિનેતા પ્રભાસ સાથે કામ કરવાના વિચાર માત્રથી બોલિવૂડનો સિનિયર અભિનેતા જેકી શ્રોફ ખાસ્સો ઉત્તેજિત છે. એવું નથી કે જેકી પહેલીવાર સાઉથની ફિલ્મ કરી રહ્યો છે. કોલિવૂડના હુલામણા નામે જાણીતી સાઉથની ફિલ્મોમાં અગાઉ જેકી ઘણીવાર ચમકી ચૂક્યો છે. પરંતુ આજના સુપર સ્ટાર પ્રભાસ સાથે કામ કરવાની તક મળ્યાથી એ વધુ ખુશ છે. સાહો બીગ બજેટ મલ્ટિસ્ટાર ફિલ્મ છે. એનું ડાયરેક્શન સુજિત કરી રહ્યા છે. હાલ આ ફિલ્મના કલાકારો અબુ ધાબીમાં છે જ્યાં માત્ર એક્શન શોટ્સ પાછળ સર્જકોએ ૯૦ કરોડ ખર્ચી નાખ્યા હોવાની માહિતી મિડિયાને આપવામાં આવી હતી. આ ફિલ્મમાં પ્રભાસ સાથે બોલિવૂડની ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂર ચમકી રહી છે. આ સપ્તાહમાં શ્રદ્ધા પણ અબુ ધાબી પહોંચી જશે જ્યાં એક્શન સીન્સ ઝડપવાના છે. જેકી શ્રોફના રોલ અંગે હજુ કશી વિગતો મિડિયાને આપવામાં આવી નથી. જો કે જેકી પોતે પણ આ વિશે વધુ બોલવા તૈયાર નથી. એણે કહ્યું કે પ્રભાસ જેવા પ્રતિભાવાન કલાકાર સાથે કામ કરવા મળે એ ગૌરવની વાત છે. મારા રોલ વિશે મિડિયા જોડે વાત કરવાની મને પરવાનગી નથી. મારે ડાયરેક્ટરના આદેશને માથે ચડાવવો પડે. આ ફિલ્મ એક સાથે હિન્દી, તમિળ અને તેલુગુમાં બની રહી છે.
 

(3:54 pm IST)