Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

અભિનેતા મનીષ પોલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

આ પહેલા વરુણ અને નીતૂ પોઝિટિવ આવ્યા હતા : નીતૂ કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી રણબીર કપૂરે તેમના મુંબઈ પાછા આવાની વ્યવસ્થા કરી હતી

મુંબઈ,તા. : વરુણ ધવન અને કિઆરા અડવાણીની ફિલ્મ જુગ-જુગ જિયોની મુશ્કેલીઓ વધી રહી છે. હાલમાં ખબર આવી હતી કે ફિલ્મની સ્ટારકાસ્ટમાંથી વરુણ ધવન, નીતૂ કપૂર કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. ઉપરાંત ફિલ્મના ડાયરેક્ટર રાજ મહેતા પણ કોવિડ-૧૯ પોઝિટિવ છે. ત્રણેયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એવામાં ફિલ્મનું શૂટિંગ પણ અટકી ગયું છે. હવે ખબર આવી રહી છે કે જુગ-જુગ જિયોના સ્ટારકાસ્ટમાંથી વધુ એક એક્ટર કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. હવે એક્ટર મનીષ પૉલની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી છે. કહેવામાં આવ્યું છે કે પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનું માલુમ પડતા તે શૂટિંગથી પરત ફરીને મુંબઈમાં પોતાના ઘરે આવીને પોતાને ક્વોરન્ટાઈન કરી લીધો છે. હજુ સુધી મનીષ પૉલ અથવા તેની ટીમ તરફથી ખબર પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. વરુણ ધવન, નીતૂ કપૂર અને ડાયરેક્ટર રાજ મહેતા બાદ મનીષ પૉલ ફિલ્મની સ્ટારકાસ્ટની ચોથી વ્યક્તિ છે, જે કોરોના વાયરસથી સંક્રમિત મળી આવી છે. નોંધનીય છે કે નીતૂ કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી દીકરા રણબીર કપૂરે તેમના મુંબઈ પાછા આવાની વ્યવસ્થા કરી હતી. રણબીર કપૂરે મમ્મી નીતૂ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. નીતૂ કપૂર હવે મુંબઈ આવી ગયા છે અને યોગ્ય સારવાર લઈ રહ્યા છે. દરમિયાન વરુણ ધવન અને રાજ મહેતા ચંડીગઢમાં છે અને તેઓ ત્યાં ક્વોરન્ટીન થયા છે. ન્યૂઝ એજન્સીને સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે, *વરુણ અને ડાયરેક્ટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તેમણે ચંડીગઢમાં રહેવાનું પસંદ કર્યું છે. ઉલ્લેખનીય છે કે પહેલા અનિલ કપૂરને લઈને પણ પ્રકારની ખબર આવી હતી કે તે કોરોના વાયરસથી પોઝિટિવ છે. પરંતુ બાદમાં એક્ટરે ખબરો પર પ્રતિક્રિયા આપતા તેને ખોટી બતાવી હતી. એક્ટરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તે કોરોના વાયરસથી સંક્રમિત નથી. જ્યારે અનિલ કપૂરની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે પણ ખબરો પર પ્રતિક્રિયા આપી હતી કે તેના પિતા કોરોના પોઝિટિવ હોવાની ખબરો ખોટી છે.

(7:20 pm IST)