Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

મારી ફિલ્મો શેરી નાટક જેવી હોય છે: આયુષ્માન ખુરાના

મુંબઇ: બધાઇ હો ફિલ્મ હિટ નીવડયા બાદ રાતોરાત સ્ટાર ગણાતા થઇ ગયેલા અભિનેતા આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે મારી ફિલ્મોને તમે મારાં શેરીનાટકોનું વિસ્તરણ (એક્સટેન્શન) કહી શકો.હાલ ડ્રીમ ગર્લ નામની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત એવા આયુષમાને ચંડીગઢની ડીએવી કૉલેજમાં ભણતો હતો ત્યારે આગાઝ નામની નાટયસંસ્થામાં રહીને શેરી નાટકો કર્યા હતા. પોતાના કાર્યોને સાકાર કરવા એ ટ્રેનમાં ગીતો ગાઇને પૈસા જમા કરતો રહ્યો હતો. એણે કહ્યું કે મારી ફિલ્મો મારાં શેરીનાટકોના એક્સટેન્શન જેવી છે અને એ વધુ વાસ્તવિક તથા વધુ આનંદદાક બની રહી છે. વાસ્તવિકતાની નિકટ હોય એવી કથા ધરાવતી ફિલ્મો જ હું વધુ પસંદ કરતો રહું છું. ટ્રેડ પંડિતો જો કે એને બિનપરંપરાગત કથા ધરાવતી ફિલ્મો કહે છે.'હું રંગભૂમિ પરથી ફિલ્મોમાં આવ્યો હોવાથી મારી ફિલ્મો પસંદ કરવાની પદ્ધતિ અને ઉદ્દેશ અલગ રહ્યાં છે. અગાઉ મેં દેશના ખૂણે ખૂણે શેરીનાટકો કર્યાં છે. અસ્પૃશ્ય ગણાતા અને સામાજિક હેતુ ધરાવતા નાટકો દ્વારા મેં કારકિર્દી શરૃ કરી હતી. એ દિવસો સંઘર્ષના પણ હતાં જ્યારે સાધનો ટાંચાં હતાં અને અમારો હેતુ સામાજિક જાગૃતિનો હતો.' આયુષમાને કરેલી ફિલ્મો પરંપરાગત કથાવસ્તુ ધરાવતી નહોતી. વીર્યદાનનો મહિમા સમજાવતી વીકી ડૉનર, અતિ સ્થૂળ પત્ની ધરાવતા પતિની કથા દમ લગા કે હૈશા, સહશયન સમયે ઉત્થાનની સમસ્યા ભોગવતા યુવાનોની કથા શુભ મંગલ સાવધાન અને તાજેતરમાં રજૂ થયેલી બધાઇ હો ફિલ્મ એની હિટ ફિલ્મ બની રહી હતી જ્યારે યશ રાજની અમિતાભ બચ્ચન અને આમિર ખાનને ચમકાવતી ઠગ્સ ઑફ હિન્દુસ્તાનની હરીફાઇમાં આ નાનકડા બજેટની ફિલ્મ હિટ સાબિત થઇ હતી.

(4:17 pm IST)