Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

કાલથી અમિતાભ બચ્ચન-આમિર ખાનની 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' રિલીઝ

એકશન એડવેન્ચરથી ભરપૂર ફિલ્મ બનાવવા ૩૦૦ કરોડનો ખર્ચ

દિવાળી-નવા વર્ષના તહેવારમાં હમેંશા કોઇને કોઇ મોટા બેનરની અને મોટા કલાકારોની ફિલ્મો આવતી હોય છે. આ વખતે જેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતાં તે ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' આવતીકાલ ગુરૂવારથી રિલીઝ થઇ રહી છે.

નિર્માતા આદિત્ય ચોપડા અને નિર્દેશક વિજયકૃષ્ણ આચાર્યની આ ફિલ્મમાં સંગીત અજય-અતુલનું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, કૈટરીના કૈફ, ફાતીમા સના શેખની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત લોયડ ઓવેન, મોહમ્મદ ઝીશાન અયુબ, રોનિત રોય, સત્યદેવ કંચહરના જેવા કલાકારોએ પણ રોલ નિભાવ્યો છે. આ ફિલ્મને આ વર્ષની સોૈથી મોટી ફિલ્મ ગણવામાં આવે છે. બોલીવૂડના બે મહાન કલાકારો પણ આ ફિલ્મમાં પહેલી વખત સાથે જોવા મળશે.

આ કાલ્પનિક કહાની પર આધારીત ફિલ્મ છે. જેમાં ઇતિહાસને સાથે જોડવામાં આવ્યો છે. ૧૭૯૫ની વાત છે, ત્યારે ભારતમાં અંગ્રેજોનો પગપેસારો થઇ ગયો હતો. એ સમયે કેટલાક એવા લોકો પણ હતાં જે અંગ્રેજોને સહન કરી શકે તેમ નહોતાં. આવા લોકો બ્રિટીશ ઇસ્ટ કંપની માટે મોટો પડકાર  બની ગયા હતાં. અંગ્રેજો તેને ઇન્ડિયન બાગી કે ઠગ કહીને બોલાવતાં હતાં. આવો જ એક ઠગ હતો ખુદાબક્ષ આઝાદ (અમિતાભ બચ્ચન) જે પોતાના સાથીદારોની મદદથી અંગ્રેજો માટે માથાનો દુઃખાવો બની ગયો હતો. તે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા ઇચ્છતો હતો.

બ્રિટીશ કમાન્ડર જોન કલાઇવ (લોયડ ઓવેન) કોઇપણ રીતે ખુદાબક્ષને પકડવા ઇચ્છતો હતો. તેને એમ હતું કે આ ઠગને પકડવા માટે તેના કરતાં પણ ચાલાક ઠગની જરૂર પડશે. જોનની મુલાકાત અવધમાં રહેતાં ઠગ ફિરંગી મલ્લાહ (આમિર ખાન) સાથે થાય છે. ફિરંગી જોનથી પ્રભાવીત થાય છે અને ખુદાબક્ષને પકડવાની જવાબદારી સંભાળે છે. શું ખુદાબક્ષને પકડવામાં ફિરંગીને સફળતા મળશે? ફિરંગી ખરેખર કોણ છે? શું આ બંનેને અંદરો-અંદર લડાવીને અંગ્રેજો પોતાનો રસ્તો સાફ કરી શકશે? આ બધા સવાલોના જવાબ એકશન, એડવેન્ચર અને ડ્રામાથી ભરપુર ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં મળશે. ૧૬૪ મિનીટની આ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ વિદેશમાં થયું છે. ૩૦૦ કરોડનો અધધધ ખર્ચ કરવામાં આવ્યો છે.

(9:55 am IST)