Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

દેશભરના તમામ ભાષાની ફિલ્મોના સુપર સ્ટાર-કલાકારોએ ઘરમાં જ રહીને બનાવી કોરોના સંદર્ભે અદ્ભૂત સંદેશો આપતી ફિલ્મ

અમિતાભ બચ્ચન, રજનીકાંત, મોહનલાલ, ચિરંજીવી, રણબીર કપુર, આલિયા ભટ્ટ, દિલજીત દોસાંજ, પ્રિયંકા ચોપડા સહિત સાઉથના અનેક સ્ટાર્સએ સાથે મળી ૪.૩૯ મિનીટની સંદેશાત્મક ફિલ્મ બનાવી

મુંબઈઃ. વિશ્વભરમાં કોરોનાની મહામારી આંટો લઈ ગઈ છે અને સૌ કોઈ ઝઝુમી રહ્યા છે. લોકડાઉનનું પાલન કરાવવા સમગ્ર તંત્રો મહેનત કરી રહ્યા છે. આવા સમયે જેના દેશ-દુનિયામાં કરોડો ચાહકો છે તેવા બોલીવુડ અને સાઉથ તેમજ પંજાબી, મરાઠી સહિતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર્સ તથા ખૂબ જાણીતા કલાકારોએ મળી કોરોના સંદર્ભે લોકોને ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા સંદેશો આપતી ૪.૩૯ મિનીટની એક ફિલ્મ બનાવી છે. બ્લેક એન્ડ વ્હાઈટ મોડમાં બધા કલાકારોએ પોતપોતાના ઘરમાં રહી પોતાના ડાયલોગ્સ બોલ્યા છે. શરૂઆતમાં અમિતાભ બચ્ચન પોતાના કાળા ચશ્મા જે બહાર તડકામાં પહેરવા માટેના છે તે ખોવાઈ ગયાનું કહી શોધવા માટે બૂમ પાડે છે. આ ચશ્મા શોધવા એક પછી એક કલાકાર આવતા જાય છે... છેલ્લે આલિયા ભટ્ટ ચશ્મા આપે છે. જે પ્રિયંકા ચોપડા અમિતાભને આપી અત્યારે ઘરમાં કાળા ચશ્માને શું કરવા છે ? એવુ પુછે છે ત્યારે અમિતાભ કહે છે કંઈ નહિ, કાળા ચશ્મા હું સાચવીને મુકી દઉં એટલે ખોવાઈ ન જાય અને હાલના સંજોગોમાં કોઈને એ શોધવા બહાર જવું ન પડે. આમ કહી અમિતાભ બચ્ચન કોરોનાથી બચવા ઘરમાં જ રહેવા સંદેશો આપે છે. સાથોસાથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અન્ય તમામ વર્કર્સ માટે સહાય કરવા ધનરાશીની પણ વ્યવસ્થા કર્યાનો આ વિડીયોમાં ઉલ્લેખ છે. સોશ્યલ મિડીયા પર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે.

(3:44 pm IST)