Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

સિમ્બાના ક્લાઈમેક્સ સીનમાં નજરે પડશે સિંઘમ

મુંબઇ: અત્યંત ઘનચક્કર કે તરંગી લાગે એવા પોલીસ ઑફિસરની કથા રજૂ કરતી ફિલ્મ સિમ્બાની પરાકાષ્ઠાનાં દ્રશ્યોમંા ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી સિંઘમ અજય દેવગણને પણ લાવશે એવી માહિતી મળી હતી. આમ તો રણવીર સિંઘ જ આ ફિલ્મનો હીરો છે પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ રોહિત કંઇક અલગ કરવા માગતા હતા. આ ફિલ્મ આમ તો તેલુગુ હિટ ફિલ્મ ટેમ્પરની રિમેક છે પરંતુ એની પરાકાષ્ઠાને રોહિત નવો રંગ આપવા ઉત્સુક હતા એટલે તેમણે પોતાના મનમાં ઊગી નીકળેલા વિચારનેે અજય દેગવણ સમક્ષ રજૂ કર્યો. આ બંનેને નિકટતાથી ઓળખનારા લોકો કહે છે કે રોહિત પોતાને આવતા મોટા ભાગના વિચારો અજય સાથે શૅર કરે છે. એમણે અજયને કહ્યું કે પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં સિમ્બાની વહારે સિંઘમ પણ આવી જાય એવો વિચાર મને આવ્યો છે. તું સિંઘમ તરીકે ક્લાયમેક્સના દ્રશ્યોમાં રજૂ થવા તૈયાર છે કે ? અજયે હા પાડી અને હવે રોહિત વાર્તાને એ રીતે વળાંક આપવા ઇચ્છે છે કે સિમ્બાના ધી એન્ડ પહેલાં સિમ્બા અને સિંઘમ બંને ભેગા થઇ જાય. અગાઉ એવા અહેવાલ હતા કે  અજય અને રોહિત સિંઘમ થ્રી  બનાવવાની તૈયારીમાં છે પરંતુ રોહિતે સિંઘમને બદલે સિમ્બા બનાવવાનો નિર્ણય જાહેર કર્યો અને રણવીર સિંઘને સાઇન કરી લીધો. એ સમયે અજય અપસેટ હોવાની પણ વાતો વહેતી થઇ હતી. પરંતુ એ વાતો નર્યાં ગપ્પાં હોય એવું આ બંનેના સંબંધો પરથી લાગે છે.

(5:08 pm IST)