Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

કમાણીના મામલામાં બોલીવુડના અનેક સ્ટાર્સથી પણ વધુ કમાય છે સંગીતકારોઃ ચોંકાવી દે તેવી તગડી આવક

એ.આર. રહેમાન, પ્રિતમ, અમિત ત્રિવેદી, વિશાલ શેખર, અજય અતુલની કમાણી કરોડોમાં

નવી દિલ્હી, તા. ૭ :. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા અને અભિનેત્રી હોય છે, પરંતુ આ માન્યતા ખોટી છે ફોર્બ્સની એક યાદી માન્યતાને ખોટી ઠેરવે છે. ફોર્બ્સના રેન્કીંગ અનુસાર એવા અનેક સંગીતકાર છે જેમની કમાણી બોલીવુડના અભિનેતા કે અભિનેત્રી કરતા વધુ છે.

ફોર્બ્સના રેન્કીંગ અનુસાર સૌથી અમીર ભારતીય સેલીબ્રીટીની યાદીમાં એ.આર. રહેમાન ૧૬મા ક્રમે છે. સૌથી વધુ કમાણી કરનાર સંગીતકારોમાં તેઓ પ્રથમ છે. ૨૦૧૯મા રહેમાનની કમાણી ૯૪.૮ કરોડ રૂપિયા હતી જે કોઈપણ ભારતીય સંગીતકાર કરતા વધુ છે. તેમણે દિલ સે, સ્લમ ડોગ.., રોઝા, બોમ્બે, જોધા અકબર જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

બોલીવુડમાં સૌથી વધુ હીટ ગીતો આપનાર પ્રિતમ સૌથી વધુ કમાણી કરતા બીજા સંગીતકાર છે. તેમનુ સ્થાન ૧૭મું છે. પ્રિતમની ગયા વર્ષની કમાણી ૯૭.૭૮ કરોડની હતી. ૨૦૧૯માં પ્રિતમે ટોટલ ધમાલ, કલંક, છીછોરે જેવી ફિલ્મોનું સંગીત આપ્યુ હતું.

અમિત ત્રિવેદી ફોર્બ્સના રેન્કીંગમાં ૧૯મા સ્થાને છે અને સૌથી વધુ કમાતા સંગીતકારમાં ત્રીજા સ્થાને છે. ૨૦૧૯માં તેમની કમાણી ૮૦.૭૩ કરોડની હતી. ગયા વર્ષે અમિતે અંધાધૂંધ અને મિશન મંગલ સાથે ૮ ફિલ્મોમાં સંગીત આપ્યુ હતું.

વિશાલ શેખરનું નામ યાદીમાં ૨૦મા ક્રમે છે. સંગીતકારોમાં ચોથા ક્રમે છે. ગયા વર્ષે તેમની કમાણી ૭૬.૮૪ કરોડની હતી. આ જોડીએ ગયા વર્ષે વોર, સ્ટુન્ડ ઓફ ધી યર-૨ અને ભારત જેવી ફિલ્મોમાં સંગીત આપ્યુ હતું.

ફોર્બ્સની યાદીમાં અજય, અતુલની જોડીને ૨૨મું સ્થાન મળ્યુ છે. સંગીતકારમાં પાંચમા સ્થાને છે. ગયા વર્ષે ૭૭.૯૧ કરોડની કમાણી કરી હતી. આ જોડીએ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, ઝીરો અને ધડક જેવી ફિલ્મોમાં સંગીત આપ્યુ હતું.(૨-૩)

(10:09 am IST)