Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ત્રણ ફિલ્મો 'મલંગ', 'હેકડ' અને 'શિકારા' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'મલંગ', 'હેકડ' અને 'શિકારા' રિલીઝ થઇ છે.

લવ ફિલ્મ્સ, નોર્થન લાઇટ્સ એન્ટરટેઇનમેન્ટ, ટી-સિરીઝ બેનર તથા નિર્માતા ભુષણ કુમાર, લવ રંજન, અંકૂર ગર્ગ, જય સેવકરામાની અને કૃષ્ણ કુમાર તથા નિર્દેશક મોહિત સુરીની ફિલ્મ 'મલંગ'માં સંગીત વેદ શર્મા, ધ ફયુઝન પ્રોજેકટ, મિથુન અને અંકિત તિવારીનું છે. ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, દિશા પટાની, અનિલ કપૂર, કૃણાલ ખેમુ અને એલી અવરામ, અમૃતા ખાનવિલકર અને શાદ રંધાવાની મુખ્ય ભુમિકા છે. ૧૩૫ મિનીટની લંબાઇ ધરાવતી આ ફિલ્મના ગીતો અને ટ્રેલર ઘણા સમયથી ધૂમ મચાવી રહ્યા છે. તે જોતાં બોકસ ઓફિસ પર ફિલ્મની શરૂઆત જબરદસ્ત રહે તેવી શકયતા છે. કહાની એવા છોકરા (આદિત્ય રોય કપૂર)ની છે જે સતત ગુસ્સામાં જ રહે છે. લોકોની સાથે મારકુટ કરતો રહે છે. તેને એક રહસ્યમય હત્યારાની શોધ છે, જેણે તેની પ્રેમિકાની હત્યા કરી હોય છે. આ છોકરાની પાછળ ડ્રગ્સના ધંધાર્થીઓ અને એક ભ્રષ્ટ પોલીસ અધિકારી પડેલા છે. જેનું કનેકશન આ છોકરા સાથે હોય છે. હત્યારાઓના સમુહની આ કહાની છે. જેમાં હાઇ વોલ્ટેજ એકશન, ડ્રામા અને લવસ્ટોરી પણ છે.

બીજી ફિલ્મ 'હેકડ'ના નિર્માતા અમર ઠક્કર, ક્રિષ્ના ભટ્ટ અને નિર્દેશક વિક્રમ ભટ્ટ છે. ફિલ્મમાં સંગીત આરકો, જીત ગાંગુલી, ચિરંતન ભટ્ટ અને સન્ની-ઇન્દર બાવરાનું છે. આ ફિલ્મમાં ટીવી પરદેથી ફિલ્મોમાં એન્ટ્રી કરનારી હીના ખાન સમીરા ખન્ના નામની યુવતિનો રોલ નિભાવી રહી છે. સાથે રોહન શાહ, મોહિત મલ્હોત્રા અને સિદ મક્કર ખાસ રોલમાં છે. વિક્રમ ભટ્ટ હમેંશા હોરર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. આ વખતે તેણે સાયકોલોજીક થ્રિલર ફિલ્મ બનાવી છે. આ એક એવા હેકરની વાત છે જે એક છોકરીને એક તરફી પ્રેમમાં તેના સોશિયલ મિડીયાને હેકડ કરી લે છે અને તેની જ અંગત પળોને વાયરલ કરી દે છે.  આજના યુગમાં કોઇ તમારા સોશિયલ મિડીયા એકાઉન્ટ કે ફોન હેક કરી લે તો એ પળ કેવી ભયાનક બની જાય છે તેની કહાની આ ફિલ્મમાં જોવા મળશે. ટ્રેલર લોકોને ગમ્યું છે. હીના ખાનનો અભિનય ટીવી પરદે તો અસંખ્ય ચાહકોને ગમ્યો છે. ફિલ્મી પરદે પણ તેને ભરપુર આવકાર મળશે તેવી તેને આશા છે.

ત્રીજી ફિલ્મ 'શિકારા'ના નિર્માતા અને નિર્દેશક વિધુ વિનોદ ચોપડા છે. ફિલ્મની કહાની વિધુ સાથે રાહુલ પંડિતા અને અભિજાત જોષીએ લખી છે. હિસ્ટોરીકલ ડ્રામા જોનરની આ ફિલ્મમાં સંગીત સંદેશ સાંડિલ્ય, અભય સોપોરી, એ.આર. રહેમાન અને કુતુબ-એ-ક્રિપાનું છે. ફિલ્મમાં મુખ્ય ભુમિકા આદિલ ખાને શિવકુમાર ધર નામના યુવાનનો રોલ નિભાવ્યો છે. જ્યારે સાદિયા શાંતિ ધરની ભુમિકામાં છે. ફિલ્મની કહાની એ વખતની છે જ્યારે કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોને હાંકી કાઢવામાં આવ્યા હતાં. જેમાં એક કપલ કઇ રીતે પોતાનું ઘર છોડીને જવા મજબુર થાય છે અને કઇ રીતે ફરીથી તે આ ઘરમાં આવવા પ્રયાસ કરે છે તેની અત્યંત લાગણીસભર કહાની છે. ફિલ્મમાં મર જાયે હમ, શુકરાના ગુલ ખિલે અને ઘર ભરા સા લગે જેવા ગીતો ઇર્શાદ કામિલ અને બાસીર આરીફે લખ્યા છે તથા તેને પેપોન, શારદા મિશ્રા, મુનિર અહેમદ મીર અને શ્રેયા ઘોષલે સ્વરબધ્ધ કર્યા છે. વિધુ વિનોદ ચોપડાની ફિલ્મોના વિષયો અને ફિલ્મો હટકે હોય છે. આ વખતે પણ તે કંઇક અલગ જ વિષય સાથે આવ્યા છે. જોઇએ બોકસ ઓફિસ પર તેમને કેવો સાથ મળે છે.

(10:08 am IST)