Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

બોલો લ્યો...... ફરી વખત 2.0ની રિલીઝ ડેટ બદલાઈ

મુંબઇ: સાઉથના મેગાસ્ટાર રજનીકાંતને મુખ્ય રોલમાં ચમકાવતી ટોચના ફિલ્મ સર્જક શંકરની મેગાબજેટ ફિલ્મ ૨.૦ની રજૂઆત વધુ એક વખત લંબાઇ ગયાની માહિતી મળી હતી. ૪૦૦ કરોડથી વધુના ખર્ચે બની રહેલી આ ફિલ્મ ૨૦૧૦માં રજૂ થયેલી અને સુપરહિટ નીવડેલી રજનીકાંતની રોબોટ ફિલ્મની સિક્વલ છે. અગાઉ થયેલી જાહેરાત મુજબ આ ફિલ્મ ૨૦૧૭ની દિવાળી પર રજૂ થવાની હતી. ત્યારબાદ એ ક્રિસમસ પર રજૂ કરવાની જાહેરાત કરાઇ હતી. એ બંને તારીખો વહી ગઇ. એ પછી ૨૦૧૮ના પ્રજાસત્તાક દિને ફિલ્મ રજૂ કરવાની ઘોષણા થઇ હતી. એ પણ વીતી ગયો. આ બધા સમય દરમિયાન એવી જાહેરાત પણ થતી રહી કે ફિલ્મ વિજ્ઞાાન ટેક્નોલોજીને લગતી હોવાથી એમાં વીએફએક્સ તરીકે ઓળખાતી સ્પેશિયલ ઇફેક્ટ્સ તૈયાર કરવામાં સમય લાગે એેમ છે. છેલ્લે છેલ્લે એવી જાહેરાત કરાઇ હતી કે બસ કામ પતી ગયું.હવે એપ્રિલમાં ફિલ્મ અચૂક રજૂ થશે. પરંતુ કોઇ અકળ કારણસર ફિલ્મની રજૂઆત ફરી ટળી ગઇ હતી. લેટેસ્ટ જાહેરાત મુજબ હવે આ ફિલ્મ ઑગષ્ટની ૧૫મીએ રજૂ થશે. આ ફિલ્મમાં પહેલીવાર બોલિવૂડનો સુપર સ્ટાર અક્ષય કુમાર નેગેટિવ રોલમાં ચમકી રહ્યો છે અને એમી જેક્સન રોબોટ તરીકે અભિનય કરી રહી છે. દિવસે દિવસે એના બજેટમાં વધારો થઇ રહ્યો છે એટલે ફિલ્મ સુપરહિટ ન નીવડે અને બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કબાલીની જેમ ન કરે તો શંકર પૈસે ટકે બરબાદ થઇ જવાની શક્યતા રહેલી છે એમ નિરીક્ષકો કહે છે.
 

(4:54 pm IST)