Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

બે ફિલ્મો 'પાનીપત' અને 'પતિ પત્નિ ઓૈર વો' રિલીઝ

આજથી બે ફિલ્મો 'પાનીપત' અને 'પતિ પત્નિ ઓૈર વો' રિલીઝ થઇ છે.

નિર્માતા સુનિતા ગોવારીકર, રોહિત શેલાતકર અને નિર્દેશક આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાનછપત'માં સંગીત અજય-અતુલનું છે. ફિલ્મનું લેખન અશોક ચક્રધરે કર્યુ છે. અર્જૂન કપૂર સદાશિવ રાવ ભાઉના રોલમાં, સંજય દત્ત અહેમદશા અબ્દાલીના રોલમાં અને ક્રિતી સેનન પાર્વતિબાઇના રોલમાં છે. જ્યારે મોહનીસ બહેલ નાના સાહેબ પેશ્વા, પદ્મિની કોલ્હાપુરે ગોપિકાબાઇના રોલમાં અને જીન્નત અમાને શકીના બેગમનો રોલ નિભાવ્યો છે. આ ઉપરાંત સાહિલ સાલથીયા, કુનાલ કપૂર, રવિન્દ્ર મહાજની, ગશ્મીર મહાજની, મંત્ર, નવાબ શાહ, સુહાસીની મુલે, વિનીતા મહેશ, ક્રિતીકા દેવ, શ્યામ માશલકર સહિતના કલાકારોની ભુમિકા છે.

આશુતોષ ગોવારીકર મોટા બજેટની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મ પાણીપતના ત્રીજા યુધ્ધ પર આધારીત છે. ફિલ્મની કહાની ૧૭૬૧ના વર્ષની છે. તે સમયે મરાઠા સમગ્ર ભારતમાં શકિતશાળી સામ્રાજ્યના રૂપમાં ઉભરી રહ્યા હતાં. તેમને પડકાર આપનારું દૂર-દૂર સુધી કોઇ જ નહોતું. જો કે તેની ખુશી વધુ દિવસ સુધી કાયમ રહેતી નથી. અફઘાનનો રાજા અહેમદશા અબ્દાલી (સંજય દત્ત) ભારત પર કબ્જો કરવાની યોજના બનાવે છે. સદાશિવ રાવ ભાઉ (અર્જૂન કપૂર)ને મરાઠા પેશવા આદેશ આપે છે કે કોઇપણ કિમતે અબ્દાલીને રોકવામાં આવે. આ કારણે બંનેની સેના વચ્ચે પાણીપતનું ત્રીજુ યુધ્ધ થાય છે. આશુતોષે પહેલા પણ ઐતિહાસિક વિષય અને યુધ્ધ આધારીત ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ પણ દર્શકોને ગમે તેવી આશા રાખીએ.

બીજી ફિલ્મ 'પતિ પત્નિ ઓૈર વો'ના નિર્માતા ભુષણ કુમાર, રેણુ રવી ચોપડા, કિશન કુમાર અને નિર્દેશક મુદસ્સર અઝીઝ છે. ફિલ્મમાં સંગીત તનિષ્ક બાગચી, રોચક કોહલી, સચેત-પરંપરા, ટોની કક્કડનું છે. અગાઉ આવેલી ફિલ્મ પતિ પત્નિ ઓૈર વોની આ રિમેક છે. અગાઉની ફિલ્મમાં સંજીવ કુમાર, વિદ્યા સિન્હા અને રંજીતા મુખ્ય રોલમાં હતી. રોમાન્ટીક કોમેડી એવી રિમેકમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, અપારશકિત ખુરાના, રાજેશ શર્મા, કે. કે. રૈના, નવીન પારિહાર, ડેઇઝી બોપન્ના, ગીતા અગ્રવાલ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ક્રિતી સેનન અને સન્ની સિંઘ ગેસ્ટ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર લોકોને ગમ્યું છે. અગાઉની ફિલ્મ સુપરહિટ નિવડી હતી. રિમેકમાં નવોદિત અને આજના યુવાઓમાં પ્રિય એવા કલાકારો કેટલી સફળતા અપાવી શકે છે તેની રાહ જોવી રહી. 

ફિલ્મની કહાની મુજબ અભિનવ ત્યાગી એટલે કે ચિન્ટૂ ત્યાગી (કાર્તિક) કાનપુરમાં એક સરકારી કર્મચારી છે. ચિન્ટૂના માતા-પિતા વેદીકા (ભૂમિ) સાથે લગ્નની વાત કરવા તેના ઘરે પહોંચે છે. વેદીકાને જોતાં જ ચિન્ટૂ તેના પ્રેમમાં પડી જાય છે અને વાત લગ્ન સુધી પહોંચી જાય છે. બધુ બરાબર ચાલતું હોય છે પણ અચાનક ત્યાગીજીની લાઇફમાં યુ-ટર્ન આવે છે. ચિન્ટૂની મુલાકાત હવે તપસ્યા સિંહ (અનન્યા) સાથે થાય છે. હવે ચિન્ટૂની જિંદગીમાં મસાલો અને મસ્તી ભળે છે. તપસ્યા કાનપુરમાં પોતાના બુટીક વર્કશોપ માટે જગ્યા શોધવા આવી હોય છે. ચિન્ટૂ ગમે તેમ કરીને તપસ્યા સાથે સમય વિતાવવા પ્રયાસ કરતો રહે છે. પણ તેને ચિન્ટૂ પરણેલો હોવાની ખબર પડતાં તે થોડો સંકોચ અનુભવે છે. સામે ચિન્ટૂ પોતાની લગ્ન જિંદગી વિશેની લાંબી લાંબી વાતો કરી બધુ સંભાળી લે છે. ચિન્ટૂની લગ્નેતર સંબંધોની કહાનીમાં હવે તેના મિત્ર ફહીમ રિઝવી (અપારશકિત)ની એન્ટ્રી થાય છે. તેના કારણે ત્યાગી અનેક વખત મુશિબતમાં ફસાય છે. અંતે બધુ હાથ બહાર નીકળવા માંડે છે અને અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. જેમાંથી ભરપૂર કોમેડી સર્જાય છે. કાર્તિકે ચિન્ટૂ ત્યાગીનો રોલ ખુબ સરસ કર્યો છે. ભૂમિ અને અનન્યાએ પણ પ્રશંસા મેળવી શકાય એવું કામ કર્યુ છે. ફિલ્મના ગીતો પણ લોકોને ગમ્યા છે.

 

(10:06 am IST)