Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

નવાનગરના જામસાહેબ દિગ્વિજયસિંહજી રૂપેરી પરદેઃ સંજય દત્ત બનશે 'ધ ગૂડ મહારાજા'

મુંબઇ તા. ૬: બોલીવૂડમાં અનેક ફિલ્મકારો એતિહાસિક પાત્રોને લઇને ફિલ્મો બનાવતા રહે છે. અગાઉ પણ અનેક મહાન રાજા-મહારાજાઓની કહાનીઓને રૂપેરી પરદે ઉતારવામાં આવી છે. વધુ એક મહારાજાની કહાની ફિલ્મી પરદે ઉતારવામાં આવી રહી છે. આ મહારાજા છે નવાનગર (હાલના જામનગર)ના જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી. તેમની ભૂમિકા માટે નિર્માતા-નિર્દેશકે બોલીવૂડના હીરો સંજય દત્તની પસંદગી કરી છે. આ ફિલ્મનું નામ 'ધ ગૂડ મહારાજા' રાખવામાં આવ્યું છે.

બીજા વિશ્વ યુધ્ધ વખતે જામ સાહેબે પોલેન્ડના ૬૪૦ શરણાર્થીઓને જામનગર પાસે બાલાચડી સૈનિક સ્કૂલમાં આશ્રય આપ્યો હતો. આ સૈનિકોએ તે વખતે જ્યાં જ્યાં આશ્રય મેળવવા પ્રયાસ કર્યો હતો ત્યાં ત્યાંથી જાકારો મળ્યો હતો. અંગ્રેજોએ પણ તેમને મુંબઇ ઉતરવા દીધા નહોતાં. એ પછી અંગ્રેજોની પરવા કર્યા વગર જામ સાહેબે પોલેન્ડના આ સૈનિકોને જામનગરના રોઝી બંદરે ઉતાર્યા હતાં અને બાલાચડીમાં આશરો આપ્યો હતો.  પોલેન્ડમાં આજે પણ જામ સાહેબને ધ ગૂડ મહારાજા તરીકે યાદ કરવામાં આવે છે. મહારાજાની પચાસમી પૂણ્યતિથી પર પોલેન્ડની એસેમ્બલીએ તેમને શ્રધ્ધાંજલિ પણ આપી હતી. હવે જામ સાહેબ પર ફિલ્મ બની રહી છે. એક અનોખી અસલી કહાની પર આધારીત આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ઓમંગ કુમાર આ ફિલ્મ બનાવી રહ્યા છે. તેમણે મેરી કોમ, સરબજીત, ભૂમિ, પીએમ નરેન્દ્ર મોદી સહિતની ફિલ્મો બનાવી છે.  સંજય દત્ત હાલમાં સડક-૨, સમશેરા, પ્રસ્થાનમ, પાનીપત જેવી ફિલ્મો કરી રહ્યો છે. પાનીપત પણ ઐતિહાસિક વિષય ધરાવતી ફિલ્મ છે. તેના નિર્દેશક આશુતોષ ગોવારીકર છે. તસ્વીરમાં જામ સાહેબશ્રી તથા સંજય દત્તનો જામ સાહેબશ્રીનો લૂક જોઇ શકાય છે.

(3:43 pm IST)