Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

સલમાન ખાન પોતાની ફિલ્મોમાં આતિમ અસલમ-રાહત ફતેહ અલી ખાન જેવા પાકિસ્‍તાની ગાયકોને ચાન્સ આપે છેઃ ગાયક અભિજીત ભટ્ટાચાર્યનો આક્રોશ

સિંગર અભિજીત ભટ્ટાચાર્ય આજકાલ પોતાના ગીતોને લઈને ઓછા અને પોતાના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં છે. હાલમાં અભિજીતે શાહરૂખ ખાન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને આડે હાથ લીધો. અભિજીત ભટ્ટાચાર્યાનું કહેવું છે કે સલમાન ખાન પોતાની ફિલ્મોમાં સતત પાકિસ્તાની સિંગર જેવા કે આતિફ અસલમ અને રાહત ફતેહ અલી ખાનને ચાન્સ આપે છે જેના કારણે ભારતીય સિંગર્સને બોલિવુડમાં ઓછી તક મળે છે.

અભિજીતે કહ્યું કે, સલમાન પાકિસ્તાની ગાયકોનો પક્ષ લે છે, જે ધીરે-ધીરે બોલિવુડનો ટ્રેંડ બનતો જાય છે. અભિજીતે સવાલ ઉઠાવ્યો કે, “શું ભારતીય સિંગર્સ બોલિવુડમાં પ્લેબેક સિંગિંગને પણ લાયક નથી રહ્યા? ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પાકિસ્તાની ગાયકો અને કલાકારોના કામ કરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.”

જણાવી દઈએ કે, પહેલા અભિજીતે શાહરૂખ પર નિશાનો સાધતા કહ્યું કે, “મેં મારા અવાજથી સુપરસ્ટાર બનાવ્યા છે. શાહરૂખ ખાન માટે ગીતો ગાતો હતો ત્યારે તે રોકસ્ટાર હતો પરંતુ જ્યારથી મેં તેના માટે ગાવાનું બંધ કર્યું તે લૂંગી ડાન્સ પર આવી ગયો છે.”

જણાવી દઈએ કે, અભિજીત ભટ્ટાચાર્ય પર હાલમાં એક મહિલા સાથે ગાળાગાળી અને મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. પહેલા પણ અભિજીત ભટ્ટાચાર્ય છેડતીના આરોપમાં ફસાઈ ચૂક્યા છે. અભિજીત પર એક છોકરીએ દુર્ગાપૂજા દરમિયાન તેની સાથે છેડતી કરવાનો આરોપ મૂક્યો હતો અને FIR પણ નોંધાવી હતી. ઓશીવારા પોલીસે મામલે અભિજીતની ધરપકડ પણ કરી હતી.

(5:26 pm IST)