Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

એક્ટર અરશદ વારસીનું વીજ બિલ એક લાખ આવ્યું

મુંબઈમાં વધુ વીજબિલથી પરેશાન સેલિબ્રિટિસ : વીજળી કંપનીને અભિનેતાએ હાઇવે રોબર ગણાવી દીધા વીજ કંપનીએ પર્સનલ કોમેન્ટથી બચવાની સલાહ આપી

મુંબઇ, તા. ૫ : મુંબઇમાં વીજળીના વધતા બિલથી બોલીવુડ સેલેબ્સ અત્યંત પરેશાન છે. એક્ટર અરશદ વારસીએ પણ અડાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇએ ફટકારેલા શ્ એક લાખના બિલ અંગે ટ્વિટ કર્યું છે. જોકે એ મામલે અડાણી ઇલેક્ટ્રિસિટીએ જવાબ આપતાં એક્ટરને કહ્યું છે કે તેમની ફરિયાદનો જવાબ અપાશે. પરંતુ તેઓ પર્સનલ કોમેન્ટ ન કરે. વીજળી કંપનીએ ભૂલ સ્વીકારવાને બદલે તેનો બચાવ કર્યો છે. તેણે કહ્યું છે કે લોકડાઉનમાં લોકો ઘરોમાં રહ્યા હોવાથી વીજળી બિલ વધી ગયું હતું. અરશદે અડાણીને હાઇવે રોબર સુદ્ધાં ગણાવી દીધા હતા. જોકે એ પછી અરશદે પોતાના ટ્વિટ્સ ડિલિટ કરી દીધા હતા. પંરતુ એ અગાઉ તે સોશિયલ મીડિયા પર તે બિલની ચર્ચા થઇ હતી. જોકે અડાણી ગ્રૂપે પણ પોતાના ટ્વિટ્સ ડિલિટ કરી દીધા છે. અડાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇએ પણ ટ્વિટ હટાવી લીધા છે. અરશદે પોતાનું વીજળી બિલ દર્શાવતાં કહ્યું હતું કે 'આ મારું વીજળીનું બિલ છે.

            જે અડાણી નામના હાઇવે રોબર્સ પાસેથી મળ્યું છે અને તે અમારા ખર્ચ પર ખૂબ હંસી રહ્યા છે.' અરશદના ટ્વિટ બાદ અડાણી ઇલેક્ટ્રિસિટીએ જવાબમાં લખ્યું હતું કે 'બિલિંગ ઇશ્યૂ અંગે અમે તમારી પરેશાની સમજી શકે છે અને અહીં અમે તમારી મદદ માટે છીએ. પરંતુ અમે ખાનગીરીતે આવું ડિફેમ કરવાનું ગમ્યું ન હતું અને અમે તમને સલાહ આપીએ છીએ કે આ ટેવ પર ધ્યાન આપો.' વધુમાં એક ટ્વિટ કરીને તેણે લખ્યું હતું કે 'અમે વીજળીનો વપરાશ સમજાવવામાં તમારી મદદ કરીશું અને તમને ટ્વિટ્સ ડિલીટ કરવાની માગણી કરીએ છીએ. તમે તમારું એકાઉન્ટ નંબર આપો તેવી અમારી વિનંતિ છે.'  ઉલ્લેખનીય છે કે અડાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇએ જાહેરમાં પ્રેસ રિલીઝ જારી કરીને વધતા જતી વીજળી બિલ અંગે જાણ કરી હતી. તેણે લોકો માટે સરળ ઇએમઆઇનો ઉપાય પણ સૂચવ્યો હતો. જેના થકી ગ્રાહકો તેમના બિલની ચુકવણી કરી શકે છે. હાલમાં શહેરમાં ૨૫ હેસ્પડેક્સ અને આઠ કસ્ટમર કેર સેન્ટર કામ કરી રહ્યા છે.

કંપનીએ જણાવ્યું છે કે ત્રણ મહિના સુધી મીટર રીડિંગ કરાઇ નથી અને તમામને સરેરાશ બિલ મોકલવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે મોટાભાગના લોકો તેમના ઘરોમાં જ હતા. જેના કારણે વીજળીનો વપરાશ વધી ગયો હતો. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં વીજળી બિલ મામલે બોલીવુડના અનેક સેલેબ્રેટીઝે ટ્વિટ કર્યા હતા. અગાઉ તાપસી પન્નૂ, પુલકિત સમ્રાટ, રેણુકા શહાણે સહિત બોલીવુડના અનેક કલાકારોએ વધુપડતા વીજળી બિલ અંગે નારાજગી દર્શાવી હતી. જોકે વીજળી કંપની ભૂલ સ્વીકારવાને બદલે તેનો બચાવ કરે છે.

(9:49 pm IST)