Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ત્રણ નવી ફિલ્મો 'વન ડે-જસ્ટીસ ડિલીવર્ડ','મલાલ' અને 'હમે તુમસે પ્યાર કિતના આજથી રિલીઝ

આજની ત્રણ નવી ફિલ્મો 'વન ડે-જસ્ટીસ ડિલીવર્ડ', 'મલાલ' અને 'હમે તુમ સે પ્યાર કિતના' રિલીઝ થઇ છે. નિર્માતા કેતન પટેલ, કમલેશ સિંઘ કુશવાહા, સ્વાતિ સિંઘ અને નિર્દેશક અશોક નંદાની ફિલ્મ 'વન-ડે'માં સંગીત વિક્રાંત-પરાજીત, જોય-અંજાન, રિશી સિંઘનું છે. કહાની અલોૈકિક રાહીએ લખી છે. ફિલ્મમાં અનુપમ ખેર રિટાયર્ડ જજ ત્યાગીના રોલમાં છે. સાથે કુમુદ મિશ્રા, એશા ગુપ્તા, અનુસ્મૃતિ સરકાર, ઝાકીર હુશેન, રાજેશ શર્મા, મુરલી શર્મા, દિપશીખા નાગપાલ, ઝરીના વહાબ, અનંત મહાદેવન, કશ્યપ જોષી બારભાયા, આલોક પાંડે, નિલોફર, ઇરફાન રઝા ખાન સહિતના કલાકારોનો કાફલો છે. આ એક એકશન થ્રિલર ફિલ્મ છે. જેમાં એક હાઇપ્રોફાઇલ વ્યકિત ગૂમ થવાનો કેસ કેન્દ્ર સ્થાને છે. જેનું રહસ્ય ઉકેલવા કોણ શું કરે છે? તે ફિલ્મમાં જોવા મળશે. એશા ગુપ્તા આ ફિલ્મમાં ક્રાઇમ બ્રાંચ ઓફિસર લક્ષ્મી રાઠીના રોલમાં જોવા મળશે. કુમુદ ઇન્સ્પેકટર શર્માના રોલમાં છે.

બીજી ફિલ્મ 'મલાલ'ના નિર્માતા સંજય લીલા ભણશાલી, ભુષણ કુમાર અને કિશન કુમાર તથા મહાવીર જૈન છે. ફિલ્મમાં સંગીત સંજય લીલા ભણશાલી, શ્રેયશ, સાહિલ હાડાનું છે. આ એક રોમાન્ટીક ડ્રામા જોનરની ફિલ્મ છે. આ ફિલ્મમાં મેઝાન જાફરી, શરમિન સેહગલ, સમીર ધર્માધિકારી અને અનુકશ બીસ્ત મુખ્ય રોલમાં છે. જાવેદ જાફરીનો દિકરો મિઝાન આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. જે શીવા મોરે નામના યુવાનના રોલમાં છે. શરમીન આસ્થા ત્રિપાઠીનું પાત્ર ભજવી રહી છે.

ત્રીજી ફિલ્મ 'હમે તુમ સે પ્યાર કિતના'ના નિર્માતા  મહેન્દ્ર બોહરા અને જીતેન્દ્ર ગુલાટી તથા નિર્દેશક લલિત મોહન છે. ફિલ્મમાં સંગીત રાજ આશૂ, જીત ગાંગુલી, ટોની કક્કડ અને શબ્બીર અહેમદે આપ્યું છે. કહાની ફૈઝલ અખ્તર, લલિત અને કરણવીર બોહરાએ લખી છે. ફિલ્મમાં કરણવીર બોહરા, પ્રિયા બેનર્જી, મહેશ બલરાજ, સમીર કોચર, નિકીતા નાગપાલ, આર્યવર મેહર, મુદ્દસીર હુશેન સહિતે અભિનય આપ્યો છે. સ્કારલેટ વિલસન આઇટમ સોંગમાં જોવા મળશે. રોમાન્ટીક થ્રિલર પ્રકારની આ ફિલ્મમાં કરણવીર બોહરા ધ્રુવ નામના એવા પ્રેમીના રોલમાં છે જે કોઇપણ ભોગે એક યુવતિને પામવા ઇચ્છે છે. તેનુ ઝનુની પ્રેમીનું રૂપ આ ફિલ્મમાં જોવા મળશે. ટીવી શોમાંથી કરણવીર આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે.

(9:46 am IST)