Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોરોનાના કપરા કાળની વ્યથા ભૂલાવે તેવી રસપ્રદ કથાઓ તૈયારઃ આસીત મોદી

શુટીંગની મંજુરીનો આનંદ, ચુસ્ત રીતે ગાઇડ લાઇન્સનો અમલ કઇ રીતે કરવો ? તેની મુંઝવણઃ વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો દ્વારા વિચારોની 'આપ-લે' થઇ : હાસ્યના હોજમાં ધુબાકા મરાવે તેવા પ્રસંગોનું નિરૂપણઃ પ્રોડકશન હેડ સોહીલ રામાણી

રાજકોટ, તા., ૫: દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો હોય મહારાષ્ટ્રમાં લોકડાઉન સંદર્ભે સખ્તાઇથી અમલ કરાવવાના ભાગ રૂપે ફિલ્મ શુટીંગો, સીરીયલોના શુટીંગો લાંબા સમયથી બંધ હતા તેમાં હવે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે ચોક્કસ નિયમો સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં નિયમોની હારમાળા સાથે શુટીંગની પરવાનગી તો મળી છે પરંતુ શુટીંગ દરમિયાન નિયમોનો જાણતા-અજાણતા ભંગ ન થાય માટે સબ ટીવી પર પ્રસારીત થતી અને નિર્દોષ હાસ્ય પીરસતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ફરી શરૂ કરવા અને કેવી કેવી સ્ટુડીયોમાં કાળજી લેવી તે માટે નિર્માતા આસીતકુમાર મોદી દ્વારા કલાકારો સાથે વિડીયો કોન્ફરન્સીંગ કરી સૂચનોનુ આદાન પ્રદાન કરવામાં આવેલ.

નિર્માતા આસીતકુમાર મોદી દ્વારા ફુરસદના સમયમાં કેટલીક રસપ્રદ કથાઓ સીરીયલ માટે લખાઇ ચુકી છે અને આ કથાઓ લોકોને પસંદ પડશે તે માટે આસીતભાઇ મોદી પુરતા આશાવાદી છે.

છેલ્લા  ૧ર વર્ષથી એક પરીવારની માફક સેટ પર રહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો ફરી વખત સાથે રહેવા મળશે તે બાબતે ખુશ છે. સીરીયલના પ્રોડકશન હેડ સોહીલ રામાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મંજુરી મળ્યા બાદ જવાબદારીઓ વધી જાય છે, સેટ પર લેવાની તમામ જાતની કાળજી અંગે તમામ કલાકારો સાથે ચર્ચા બાદ જે નિષ્કર્ષ નિકળ્યું છે તે સંદર્ભે ખાસ એડવાઇઝરી બહાર પાડી જરૂરી સોશ્યલ ડીસ્ટન્સ  જાળવવા સાથે લોકોના આનંદમાં કોઇ ભંગ ન પડે તે રીતે પોઝીટીવ કથાઓ પ્રસારીત થશે.

દરમિયાન સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સરકારી ગાઇડ લાઇન્સનો ચુસ્તપણે  અમલ કરવા માટે રાજય સરકારના આદેશોનો અભ્યાસ કરવા સાથે લોકોને લાંબા સમયના વિરામ બાદ આ કપરા કાળમાં ફરી હાસ્યના હોજમાં ધુબાકા મારી શકે તે પ્રકારની હકારાત્મક કથાઓને નિર્માતા આસીતભાઇ મોદીઅ આખરી ઓપ આપી દીધો છે.

(12:45 pm IST)