Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ફિલ્મ 'પલટન'માં અર્જુન રામપાલની પત્ની બનશે ઈશા ગુપ્તા

મુંબઇ:  સિનિયર ફિલ્મ સર્જક જે પી દત્તાએ પોતાની આગામી ફિલ્મ પલટન માટે અભિનેત્રી એષા ગુપ્તાને સાઇન કરી હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મમાં એષા અર્જુન રામપાલની પત્નીનો રોલ કરશે એવી જાણકારી પણ આપવામાં આવી હતી. અત્યાર અગાઉ આ બંને કલાકારોએ છએક વર્ષ અગાઉ પ્રકાશ ઝાની ફિલ્મ ચક્રવ્યૂહમાં સાથે કામ કર્યું હતું અને બંનેની કેમિસ્ટ્રી વખણાઇ હતી. પલટન ભારતીય લશ્કરની કામગીરી પર આધારિત કથા ધરાવે છે. અર્જુન રામપાલ એમાં કર્નલ લેફ્ટનંટનો રોલ કરે છે. આ ફિલ્મ માટે જે પી દત્તાએ ભારતીય લશ્કરના કેટલાક જવાનો અને અધિકારીઓને પણ સાઇન કર્યા છે. આ સમાચારને સમર્થન આપતાં એષાએ કહ્યું કે આ ફિલ્મના જનસંપર્ક અધિકારી મારા પણ પ્રચારક છે. એમણે આ રોલ માટે મને વાત કરી હતી. જે પી દત્તા જેવા સિનિયર ફિલ્મ  સર્જક સાથે દેશપ્રેમની ફિલ્મ કરવી એ મારા માટે ગૌરવદાયી વાત હોવાથી મેં રોલ કરવાની હા પાડી હતી. મારી અને અર્જુન રામપાલ વચ્ચે સારો મનમેળ છે એટલે કામ કરવાની મજા પડશે એેવું હું માનું છું.  આ ફિલ્મની કથા ૧૯૬૨ના ભારત-ચીન વૉર પર આધારિત છે. એષાને લાગ્યું કે પોતે એ દાયકાની સ્ત્રી જેવો રોલ આસાનીથી કરી શકશે એમ એના પ્રવક્તાએ કહ્યું હતું

(5:21 pm IST)