Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

નેવુના દસકમાં બોલ્‍ડ સીનથી ધમાકો મચાવનાર સોનમે ધમકીને લીધે છોડી હતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી

અન્‍ડરવર્લ્‍ડની નજરે ચડી જતાં પતિ સાથે દેશ છોડયો હતોઃ છુટાછેડા બાદ પરત ભારત આવી બીજા લગ્ન કર્યાઃ હાલ પરિવાર સાથે જીવે છે ખુશાલીભર્યુ જીવન

મુંબઇ તા. ૪: હિન્‍દી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં પોતાની બોલ્‍ડ ઇમેજને કારણે સફળતા મેળવનારી બખ્‍તાવર ખાન ઉર્ફ સોનમ નામની અભિનેત્રીએ જે તે વખતે ખુબ નામના મેળવી હતી. તેનું સ્‍ટારડમ એવું હતું કે નિર્માતા-નિર્દેશક તેને પોતાની ફિલ્‍મમાં લેવા માટે લાઇન લગાવતાં હતાં. જે સમયે બોલ્‍ડ સીનના નામ પર ઇન્‍ડસ્‍ટ્રી પણ પાછળ પગ કરી લેતી હતી તેવા સમયે સોનમે બોલડિ સીન આપીને નવો ટ્રેન્‍ડ શરૂ કર્યો હતો. પરંતુ અચાનક આ અભિનેત્રી બોલીવૂડને અલવીદા કરીને જતી રહી હતી. તે સફળતાની ટોચ પર હતી ત્‍યારે કારકિર્દી છોડી જવા પાછળ અન્‍ડરવર્લ્‍ડની ધમકી જવાબદાર હોવાનું ખુલ્‍યું હતું.

સોનમે નેવુના દસકમાં બોલીવૂડમાં નામના મેળવી હતી. બીજી અભિનેત્રીઓ ત્‍યારે બોલ્‍ડ સીન આપવાથી દૂર રહેતી હતી તે વખતે સોનમે ધમાકો મચાવ્‍યો હતો. તેની શરૂઆત ૧૯૮૮માં આવેલી ફિલ્‍મ વિજયથી થઇ હતી. આ ફિલ્‍મ સુપરહિટ નિવડી હતી અને સોનમના ભરપુર બોલ્‍ડ દ્રશ્‍યો હતાં. યશ ચોપડાએ બખ્‍તાવર ખાન તરીકે બોલીવૂડમાં આવેલી આ અભિનેત્રીને સોનમ નામ આપ્‍યું હતું. વિજય ફિલ્‍મ પછી સોનમ પાસે ફિલ્‍મોની કતાર લાગી હતી. ત્રિદેવના ઓયે ઓયે ગીતે તેની લોકપ્રિયતાને આસમાને પહોંચાડી દીધી હતી.

પરંતુ જબરદસ્‍ત સફળતાના સમયમાં જ સોનમ બોલીવૂડથી દૂર થઇ ગઇ હતી. કથીત રૂપે તેણે અન્‍ડરવર્લ્‍ડની ધમકીથી ડરીની બોલીવૂડ છોડયું હતું. નિર્માતા રાજીવ રાય સાથે તેણે ૧૯૯૧માં લગ્ન કરી લીધા હતાં. આ પછી પણ ધમકીનો દોર ચાલુ રહેતાં સોનમે દેશ છોડી દીધો હતો અને વિદેશ જતી રહી હતી. જો કે પચ્‍ચીસ વર્ષ પછી સોનમે પતિ સાથે તલ્લાક લીધા હતાં. તે પછી તે ભારત આવી હતી અને ડો. મુરલી પોડુવલ સાથે બીજા લગ્ન કર્યા હતાં. હાલમાં તે પરિવાર સાથે ખુશ છે. તેને એક દિકરો ગોૈરવ રોય છે.

(4:19 pm IST)