Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

આજથી બે ફિલ્મો '૧૦૨ નોટઆઉટ' અને 'ઓમેર્ટા' રિલીઝ

આજથી બે ફિલ્મો '૧૦૨ નોટઆઉટ' અને 'ઓમેર્ટા' રિલીઝ થઇ છે. નિર્માતા-નિર્દેશક ઉમેશ શુકલાની ફિલ્મ '૧૦૨ નોટઆઉટ'માં સંગીત સલિમ મર્ચન્ટ, સુલેમાન મર્ચેન્ટનું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરની મુખ્ય ભૂમિકા છે. ઉપરાંત જિમીત ત્રિવેદીનો મહત્વનો રોલ છે. ૧૦૨ નોટ આઉટ એ ક્રિકેટનો સ્કોર નથી, પણ દત્તાત્રેય વખારીયા (અમિતાભ બચ્ચન)ની ઉમર છે. ૧૦૨ વર્ષની વયે પણ તે કોઇ યુવાનથી ઓછા નથી. તેનું લક્ષ્ય ૧૧૮ વર્ષ જીવવાનું છે. આવું કરીને તે એ ચીની વ્યકિતનો રેકોર્ડ તોડવા માંગે છે જેનું નામ સોૈથી વધુ જીવનારી વ્યકિતમાં સામેલ છે.

દત્તાત્રેય કોઇપણ જાતના ટેન્શન વગર જિંદગી જીવવા ઇચ્છે છે. તેને એકમાત્ર પુત્ર બાબૂલાલ (ઋષિ કપૂર) છે, જેની ઉમર ૭૫ વર્ષની છે. તે પોતાના પિતાથી વધુ વૃધ્ધ દેખાય છે. વિચારશકિત અને સ્ફુર્તિની બાબતમાં પણ તે પાછળ છે. દત્તાત્રેય પોતાના દુઃખી રહેતાં અને અજીબ વ્યવહાર કરતાં પુત્રને બદલવા ઇચ્છે છે.  તેને સફળતા મળે છે કે કેમ? આખરે શું થાય છે? તે આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ગુજરાતી નાટક પરથી બનાવાઇ છે. નાટક પણ આ નામથી જ છે.

બીજી ફિલ્મ 'ઓમેર્ટા'ના નિર્માતા નાહિદ ખાન અને નિર્દેશક હંસલ મહેતા છે. આ  ક્રાઇમ ડ્રામા  ફિલ્મનું ટ્રેલર લોકોને ખુબ પસંદ પડ્યું છે. ૧૯૯૪માં ભારતમાં થયેલી વિદેશીઓની હત્યા પર આધારીત આ ફિલ્મમાં સંગીત ઇશાન છાબરાનું છે. ફિલ્મમાં રાજકુમાર રાવ, રાજેશ તૈલંગ, રૂપિન્દર નાગરા, કેવલ અરોરા, તિમોથી રેયાન હાઇકમેલ સહિતના કલાકારો છે. ૯૬ મિનીટની આ ફિલ્મનું શુટીંગ ભારતમાં જ થયું છે. રાજકુમાર રાવ આતંકવાદીના રોલમાં છે. તે અહેમદ ઓમાર સઇદ શેખ નામના પાત્રમાં છે.

(9:29 am IST)