Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

એક રાતના ૭ લાખ કેટરિના-વિકી જે ફોર્ટમાં રોકાવાનાં છે એનું એક રાતનું ભાડું આટલા રૂપિયા છે

કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનના સવાઈ માધોપુરની જે હોટેલમાં રોકાવાનાં છે એના લકઝરી સ્વીટ્સનું એક રાતનું ભાડુ ૭ લાખ રૂપિયા છે. આ બન્ને ૯ ડિસેમ્બરે સવાઈ માધોપુરના સિકસ સેન્સિસ ફોર્ટ બરવારામાં લગ્ન કરશે. ૭ અને ૮ ડિસેમ્બરે સંગીત અને મેંદી સેરેમની પણ ત્યાં જ રાખવામાં આવશે. વિકી માનસિંહ સ્વીટમાં રોકાવાનો છે અને કેટરિના જે સ્વીટમાં રોકાશે એનું નામ રાની રાજકુમારી છે. એવું સાંભળવા મળ્યું છે કે ૬ ડિસેમ્બરથી માંડીને ૧૧ ડિસેમ્બર સુધી આ સ્વીટ બન્ને માટે બુક કરવામાં આવ્યા છે. રિસોર્ટના આ સૌથી મોંદ્યા સ્વીટ છે. એમાં પ્રાઇવેટ ગાર્ડન અને સ્વિમિંગ પૂલ છે. આ શાહી લગ્ન માટે રિસોર્ટની સલામતી વ્યવસ્થા વધારવામાં આવી છે. એના માટે એ વિસ્તારમાં ૧૦૦ બાઉન્સર્સને તહેનાત કરવામાં આવશે. તેઓ પાંચ ડિસેમ્બરે જ રિસોર્ટમાં પહોંચી જશે. વીઆઇપી મહેમાનોની સુરક્ષા માટે રાજસ્થાનની પોલીસની મદદ લેવામાં આવશે. મેંદી સેરેમની માટે પાલીથી ૪૦૦ મેંદીના કોન્સ મગાવવામાં આવ્યા છે. લગભગ ૨૦ કિલો મેંદીનો ઉપયોગ કરવામાં આવશે. કેટરિના કૈફ અને વિકી કૌશલને લગ્નની શુભેચ્છા આપવા શાહરુખ ખાન પહોંચશે અને તે ઓબેરોય હોટેલમાં રોકાશે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પણ લગ્નમાં હાજરી આપશે અને તેઓ હોટેલ શેરબાગમાં રોકાશે. નીતા અંબાણી પણ આ લગ્નમાં સામેલ થાય એવી શકયતા છે. સાથે જ આવનારા મહેમાનો માટે જંગલ સફારી અને ઘારિયાલ પાર્કની મુલાકાત લેવાની પણ ગોઠવણ કરવામાં આવી હોવાનું ચર્ચામાં છે.

(10:09 am IST)