Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

અક્ષયકુમારની નવી ફિલ્મનું નામ ''રક્ષાબંધન'': બહેનને કરી અર્પણ

 મુંબઇ,તા.૩ : લાગે છે કે અક્ષય કુમાર એક પછી એક નવી ફિલ્મો જાહેર કરવા મંડી પડ્યો છે. તેની પાસે આમે ય ઘણી ફિલ્મો છે અને તેમાં તેણે આજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી નવી ફિલ્મની જાહેરાત કરી છે જેને તે સ્પેશ્યલ ગણાવે છે. આજે આખો દેશ રક્ષાબંધન ઉજવી રહ્યો છે ત્યારે તેણે આ જ નામની ફિલ્મની જાહેરાત કરી છે.

હા ફિલ્મનું નામ રક્ષાબંધન છે અને અક્ષય ફિલ્મ વિશે કહે છે કે એક એવી વાર્તા જે તમારા હ્રદયને એ રીતે સ્પર્શી જાય કે બસ મારા કરિયરમાં પહેલીવાર મેં કોઇ ફિલ્મ આટલી ઝડપથી સાઇન કરી હશે. આ ફિલ્મ હું મારી બહેન અલ્કાને ડેડિકેટ કરૂ છું અને સાથે વિશ્વમાં સૌથી સ્પેશ્યલ ગણાતા બોન્ડને પણ ડેડિકેટ કરૂ છું, જે ભાઇ બહેનનો સંબંધ છે. થેંકયું @aanandlrai, આ મારે માટે બહુ જ સ્પેશ્યલ છે.

આનંદ એલ રાય અને અક્ષય કુમાર અતરંગી રે ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે જેમાં અક્ષય સાથે ધનુષ અને સારા અલી ખાન છે અને તે આવતા વર્ષે વેલેન્ટાઇન્સ ડેનાં રોજ રિલીઝ થવાની છે. આ બે પ્રોજેકટ ઉપરાંત અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ, સૂર્યવંશી, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે અને બેલ બોટમ ફિલ્મો પણ લાઇનમાં તૈયાર ખડી છે.

સૂર્યવંશી ફિલ્મને રોહિત શેટ્ટીએ ડાયરેકટ કરી છે અને તે માર્ચની ૨૫મીએ રિલીઝ થવાની હતી પણ કોરોનાવાઇરસને કારણે આ ન થઇ શકયું અને હવે તે દિવાળીમાં રિલીઝ થશે. બેલ બોટમ પણ સિનેમા હોલ્સમાં ૨૦૨૧માં રિલીઝ થશે અને તેની રિલીઝ ડેટ ૨ એપ્રિલ છે જયારે બચ્ચન પાંડે ૨૨ જાન્યુઆરીએ ૨૦૨૧માં રિલીઝ થશે. પૃથ્વીરાજની નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર નથી થઇ. લક્ષ્મી બોમ્બ એમેઝોન પર રિલીઝ થવાની છે.

(3:47 pm IST)