Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ટીવી શ્રેણી ‘પટિયાલા બેબ્સ’ના અભિનેતા અનિરૂદ્ધ દવે કોરોનાની ઝપેટમાં-સ્થિતિ નાજુકઃ મારો પરિવાર અને મિત્રો પ્રાર્થના કરે, મારા પુત્રને પિતાની ખૂબ જ જરૂર છેઃ પત્ની શુભીઍ ભાવુક પોસ્ટ શેર કરી

મુંબઇ: સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસ સામે જંગ ચાલી રહી છે. આ મહામારીએ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. સામાન્ય માણસથી લઈને ટીવી અને ફિલ્મી સેલેબ્સ પણ આ બીમારીના શિકાર થઈ ગયા છે. થોડા સપ્તાહ પહેલા સીરિયલ પટિયાલા બેબ્સના અભિનેતા અનિરુદ્ધ દવે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. ત્યારથી તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. હાલ તેમની સ્થિતિ બહુ જ નાજુક છે. 

પસાર થતા સમયની સાથે એક્ટરની તબિયત વધુ બગડતી જઈ રહી છે. ફેન્સ અને તેમના પરિવારજનો આ ખબરને લઈને બહુ જ ચિંતિત છે. આ વચ્ચે અનિરુદ્ધ દવેની પત્ની અને ટીવી એક્ટ્રેસ શુભીએ પતિ માટે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે. જેને વાંચ્યા બાદ તમારી આંખોમાં પણ આસું આવી જશે. સાથે જ શુભીએ અનિરુદ્ધની એક તસવીર પણ શેર કરી છે. જેમાં તેઓ બે મહિનાના દીકરા સાથે નજર આવી રહ્યાં છે.

શુભીએ પોસ્ટમાં લખ્યું કે, હું અનિરુદ્ધને મળવા જઈ રહી છું. અનિરુદ્ધની તબિયત હાલ સારી નથી. તે કોરોના સામે જંગ લડી રહ્યો છે. તે હોસ્પિટલમાં છે, અને તેની તબિયત બહુ જ ક્રિટીકલ છે. મને મારા 2 મહિનાના અનિષ્કને ઘર પર જ છોડીને જવુ પડે છે. આ મારા જિંદગીનો સૌથી આકરો સમય છે. જ્યાં એક તરફ મારા દીકરાને અમારી જરૂર છે, કેમ કે તે બહુ જ નાનો છે. તો બીજી તરફ મને તેને છોડીને હોસ્પિટલ જવુ પડે છે.

તેણે આગળ લખ્યુ છે કે, હું મારા પરિવાર અને મિત્રોને કહેવા માગું છું કે, તેઓ હાલના સમય માટે અનિરુદ્ધ માટે પ્રાર્થના કરે. તમારી પ્રાર્થનાઓતી તે જલ્દી જ સારો થઈ જશે. હા અનિષ્કને તેના પિતાની બહુ જ જરૂર છે. તમે બધા મળીને પ્રાર્થના કરશો તો બધુ સારુ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, અનિરુદ્ધનો કોરોના વાયરસ ટેસ્ટ 23 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી તે હોસ્પિટલમાં દાખલ છે. અનિરુદ્ધ દવેએ શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી કહાની અને પટિયાલા બેબ્સમા કામ કર્યું છે. ભોપાલમાં સીરિયલના શુટિંગ દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જ્યાં તેમની તબિયત બગડવા પર તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ અક્ષય કુમારની પિલ્મ બેલ બોટમમાં પણ નજર આવનાર છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પત્ની શુભીએ દીકરાને જન્મ આપ્યો હતો.

(4:29 pm IST)