Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ગાલ પર ૨૪ થપ્પડ ખાધા ત્યારે ખિલજી બન્યોઃ રણવીરસિંહ

ખિલજી જેવું ખલનાયકનું પાત્ર ભજવવું તે મારા માટે ચેલેન્જિંગ હતું

મુંબઇ તા. ૩ : ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થયા પછી રણવીર સિંહના ખિલજીના અભિનયના વખાણ ખૂબ થયા. જો કે આ ફિલ્મમાં રાણી પદ્માવતીના રોલમાં દિપીકા અને રાવલ સિંહના રોલમાં શાહિદ પણ ઉત્કૃષ્ટ અભિનય બતાવી ગયા છે. પોતાના દમદાર નેગેટીવ રોલને યાદ કરતાં રણવીર સિંહ કહે છે કે, તેના માટે ખિલજીનો રોલ કરવો ખૂબ અઘરો હતો. રણવીર કહે છે કે ખિલજી જેવું ખલનાયકનું પાત્ર ભજવવું તે મારા માટે ચેલેન્જિંગ હતું.

રણવીર સિંહે જે રીતે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવ્યું છે, તેના માટે દર્શકોની વાહવાહી તેણે ખૂબ મેળવી. દર્શકોની સાથે સાથે વિવેચકોએ પણ રણવીરને આ રોલ માટે દાદ આપી છે. રણવીરે કરેલી તમામ ફિલ્મોમાંથી હવે આ ફિલ્મના તેના યાદગાર અભિનય માટે યાદ રાખવામાં આવશે.

ફિલ્મ રિલીઝ થયા બાદ રણવીરે મીડિયાને જણાવ્યું હતું કે, આ રોલ માટે મારે ખૂબ મહેનત કરવી પડી હતી અને રજા મુરાદના હાથે ૨૪ લાફા પણ ખાવા પડ્યા હતા. વધુમાં રણવીર કહે છે કે, ૪૫ ડિગ્રીના તાપમાનમાં પણ આ ફિલ્મનું શુટિંગ કરવું પડતું હતું, જેના કારણે મને ઉલટીઓ પણ થવા લાગતી હતી અને મારી તબિયત પણ લથડવા લાગતી હતી. ૪૫ ડિગ્રીની ગરમીમાં ગાલ પર લાફા ખાવા તે સહેલું કામ ન હતું, તેવું પણ રણવીરે કહ્યું હતું.

રણવીરે એવું પણ કહ્યું છે કે, ખિલજીના આટલા બધા યાદગાર રોલ કર્યાં પછી કદાચ હવે તે ફરી કયારેય નેગેટિવ રોલ કરશે નહીં. ફિલ્મ ગરમીના દિવસોમાં શુટ થઈ હતી, તેથી રણવીરની તબિયત અનેક વખત લથડી હતી. ગરમીમાં ભારે કોસ્ચ્યુમ પહેરીને અભિનય કરવું અઘરું લાગતું હતું.(૨૧.૨૧)

(11:41 am IST)