Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

૧૦મીએ આવી રહી છે ગુજરાતી ફિલ્મ '૨૧મું ટિફિન': મધ્યમ વર્ગીય મહિલાની કહાની : ટ્રેઇલર લોન્ચ થય

નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ અનેક ફિલ્મ ફેસ્ટીવલમાં થઇ ચુકી છે પ્રદર્શિતું : ગુજરાતીઓને ગોરવ અપાવનાર નિર્દેશક વિજયગીરી બાવાની આ ફિલ્મમાં નિલમ પંચાલ, નેત્રી ત્રિવેદી, રોનક કામદારની મુખ્ય ભુમિકાઃ પાર્થ તારપરા લિખીત ગીતોને મહાલક્ષ્મી ઐયરે આપ્યો છે સ્વરઃ મેહુલ સુરતીનું કર્ણપ્રિય સંગીતઃ સમગ્ર ગુજરાત અને મુંબઇમાં થશે રિલીઝ

રાજકોટ તા. ૨: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અને દર્શકોમાં અત્યારે જે ફિલ્મની સૌથી વધારે રાહ જોવાઈ રહી છે એ ફિલ્મ '૨૧ મું ટિફિન' આગામી ૧૦મી ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ અનેક ફિલ્મ ફેસ્ટીવલ્સમાં રજૂ થઇ ચુકી છે અને ગુજરાતીઓને ગોૈરવ અપાવી ચુકી છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે. વિજયગીરી ફિલ્મોસ યુટ્યુબ ચેનલ પર ફિલ્મ '૨૧મું ટિફિન'નું ટ્રેઈલર નિહાળી શકાય છે.

નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની ટુંકી વાર્તા પર આધારિત આ ફિલ્મનું ટ્રેઈલર બહુ રસપ્રદ છે. અહીં ૨૦ ટિફિન બનાવતી એક મધ્યમ વર્ગીય સ્ત્રીની વાર્તા છે જેને જીવનમાં ક્યારેય કોઈએ અપ્રિશીએટ નથી કરી, એના વખાણ નથી કર્યા. ઘરમાં યુવાન દીકરી છે જેને લાગે છે કે મમ્મીનો સ્વભાવ જ એવો છે કે કોઈ વાતમાં એમને રસ નથી. મમ્મી, મમ્મીની બા અને દીકરી...એક રીતે ત્રણ પેઢીની મા દીકરીના સંબંધોની નીરસતા દેખાઈ રહી છે. અને શહેરમાં આવે છે એક ઈન્ટર્ન છોકરો જેને રૂમમેટસ આ સ્ત્રીનું ટિફિન જમે છે. ઈન્ટર્ન છોકરાને ટિફિન બહુ પસંદ પડે છે અને સ્ત્રીને ૨૧મા ટિફિન માટે રાજી કરે છે. આ એકવીસમું ટિફિન ત્રણ પેઢીની મા દીકરીને કેવી રીતે અસર કરે છે. એક નાનકડી કદર, મજ્જાનું અપ્રીસીએશન એક સ્ત્રીના, પત્નિના, મમ્મીના અને દીકરીના જીવનમાં કેવા ફેરફાર લાવે છે એની વાત દર્શાવાઈ છે.

ટ્રેઈલરમાં ફિલ્મનું ઉત્તમ સંગીત પણ અનુભવાય છે.  ટ્રેલર જોતાં જ સમજાય છે કે આ એક સુંદર પારિવારીક ફિલ્મ છે. ઘરની સ્ત્રીઓને આ ફિલ્મ ઉજાણીના ભાગરૂપે બતાવવી જોઈએ. પુરૂષો તરફથી પોતાના ઘરની સ્ત્રીઓને આ ફિલ્મ બતાવવામાં આવે તો એ આ સમયની સૌથી મોટી ભેટ હશે. કારણ કે ફિલ્મ '૨૧મું ટિફિન' સંબંધોની કદર કરવાની વાત કરે છે.

ડિરેકટર વિજયગીરી બાવાની આ ત્રીજી ફિલ્મ છે. જે આગામી ૧૦ ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતના અને મુંબઈના થિએટરોમાં રીલીઝ થવા જઈ રહી છે.  મજાની વાત તો એ છે કે આ ફિલ્મ રીલીઝ થયા પહેલાં જ દેશ વિદેશના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દર્શકો અને ફિલ્મ ક્રીટીકસના ભરપૂર વખાણ મેળવી ચૂકી છે.  આ ગુજરાતી ફિલ્મે  ગુજરાતીઓને ભારે ગૌરવ અપાવ્યું છે.

નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ '૨૧મું ટિફિન' અગાઉ WRPN  WOMENS  INTERNATIONAL  FILM FESTIVAL માં આઉટસ્ટેન્ડિંગ એકસેલન્સ કેટેગરીમાં વિજેતા થઈ છે. આ ઉપરાંત TORONTO INTERNATIONAL WOMEN FILM FESTIVALમાં પસંદગી પામી અને સફળતાપૂર્વક સ્ક્રીનીંગ થયું છે. International Film Festival of India ( IFFI)માં આ વર્ષે પસંદગી પામેલી આ એક માત્ર ગુજરાતી ફિલ્મ છે. ગોવા ખાતે યોજાયેલા ૫૨માં IFFI સમારોહમાં ગુજરાતી ફિલ્મ ૨૧મું ટિફિનનું સ્ક્રીનીંગ થયું હતું.

આ ઉપરાંત ગૌરવ અપાવે એવા સમાચાર કે ICFT - UNESCO  દ્વારા દેશભરમાંથી નવ ફિલ્મો ગાંધી મેડલ માટે સ્પર્ધામાં નક્કી થઈ એ નવ ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મ ૨૧મું ટિફિન માનભેર સમાવાઈ હતી. એટલું જ નહીં પરંતું 16th  Tasveer South Asian Film Festival ૨૦૨૧ માં પણ ગુજરાતી ફિલ્મ '૨૧મું ટિફિન' પસંદગી પામી હતી.

પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા નિર્મિત આ ફિલ્મમાં નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં મેહુલ સુરતીનું સંગીત છે અને પાર્થ તારપરા લિખિત ગીતને સ્વર આપ્યો છે ભારતીય સિનેમાના જાણીતા પ્લેબેક સિંગર મહાલક્ષ્મી ઐયરે. અત્યારે આ ગીત ધૂમ મચાવી રહ્યું છે. ગીતના શબ્દો, મહાલક્ષ્મી ઐયરનો કંઠ અને મેહુલ સુરતીનું સંગીત*.રાહ જુએ શણગાર અધૂરો. ગુજરાતીઓને જીભે ચડ્યું છે. લેખક રામ મોરી અને દિર્ગ્દર્શક વિજયગીરી બાવા તેમજ સંગીતગાર મેહુલ સૂરતીનો આ તીડી પ્રોજેકટ છે...સહિયારો ત્રીજો પ્રોજેકટ. અમને પૂરી શ્રદ્ધા છે આ હેટ્રીક પણ ગુજરાતી સિનેમારસીકોને મજા કરાવશે.

આગામી ૧૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આ ફિલ્મ  ' ૨૧મું ટિફિન'  થિએટરમાં રીલીઝ થવા જઈ રહી છે. સમગ્ર ટીમને શુભકામનાઓ પાઠવીએ છીએ.

'૨૧મું ટિફિન'નું ટ્રેઇલર આ લિંક પર નિહાળી શકાશેઃ- https://youtu.be/t6E1vXhL6Qo

(9:20 pm IST)