Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

૧૪૪ કરોડના વૈભવી બંગલામાં રહે છે પ્રિયંકા ચોપડા : સાત તો છે બેડરૂમ

લિવિંગ રૂમમાં મહેમાનોની બેઠક માટે એક નહીં પણ ૩ સિટીંગ અરેન્જમેન્ટ્સ છે : આ વિશાળ બંગલામાં ઇન્ફિનિટી સ્વિમીંગ પૂલથી લઇને પ્રાઇવેટ જીમ પણ છે

ન્યૂયોર્ક તા. ૨ : બોલિવૂડ એકટ્રેસ પ્રિયંકા ચોપરા અમેરિકાના લોસ એન્જિલિસમાં પતિ નિક જોનાસની સાથે રહે છે. તેના આ વિશાળ ઘરની કિંમત ૧૪૪ કરોડ રૂપિયા છે. જેમાં ૭ બેડરૂમ છે અને બહાર એક મોટું ગાર્ડન છે. જયારે આ વિશાળ બંગલામાં ઈન્ફિનિટી સ્વિમિંગ પૂલથી લઈને પ્રાઈવેટ જીમ પણ છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના આ વિશાળ બંગલાની કિંમત ૨૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૧૪૪ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.

એક મેગેઝિનના ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ તેના વિશાળ બંગલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મારા માટે ઘરનો મતલબ છે કે કોઈ એવી જગ્યાએ કે જયાં તમે ખુશ રહી શકો. મારી આસપાસ એવા લોકો છે કે જેઓને હું પ્રેમ કરું છું. અમેરિકાના લોસ એન્જિલિસ સિવાય પ્રિયંકા ચોપરાનું ન્યુયોર્ક અને મુંબઈમાં પણ ઘર છે.

આ ઘરમાં લિવિંગ રૂમમાં મહેમાનોની બેઠક માટે એક નહીં પણ ૩ સિટિંગ અરેન્જમેન્ટ્સ છે. પ્રિયંકા ચોપરાએ પોતાના આ વિશાળ ઘરને સોફટ કલર્સથી સજાવ્યું છે.

જેમાં દીવાલોને સફેદ, ક્રીમ કલરની સાથે ટેન અને બ્રાઉન રંગના પથ્થર લગાવ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એમ બંને ફિટનેસ પર પૂરતું ધ્યાન આપે છે. આ ઘરમાં એક પ્રાઈવેટ જિમ પણ છે અને સાથે-સાથે ઈન્ફિનિટી સ્વિમિંગ પૂલ પણ છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના આ ઘરનો પાછળનો ભાગ ખૂબ શાંતિ આપનારો અને સુંદર છે. જયાં સ્વિમિંગ પુલની સામે સુંદર નજારો જોવા મળે છે.

અહીં નોંધનીય છે કે કોરોનાની મહામારી અને લોકડાઉન દરમિયાન પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે એક ફોટોગ્રાફ શેર કર્યો હતો કે જેમાં આ વિશાળ બંગલાની બહાર ગાર્ડન અને પાર્કિંગ એરિયાનો નજારો જોવા મળી રહ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આ બંગલો ૩ એકરની જમીનમાં ફેલાયેલો છે. જયારે ગત દિવસો દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે પ્રિયંકા ચોપરાનું મુંબઈવાળુ એપાર્ટમેન્ટ હવે જેકિલન ફર્નાન્ડિસે ખરીદી લીધું છે. પ્રિયંકા ચોપરા આજકાલ તેના પુસ્તક 'અનફિનિશ્ડ'ને લઈને ચર્ચામાં છે.

(10:13 am IST)