Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

એક કલાકારના સંઘર્ષની કહાનીઃ આજથી 'ધ વિન્ડો' રિલીઝ

આ શુક્રવારથી 'ધ વિન્ડો' નામની ફિલ્મ રિલીઝ થઇ છે. નિર્માતા સ્વર્ણદિપ વી., અમૃત જૈન અને સુરેશ કોડનાની તથા નિર્દેશક વી. કે. ચોૈધરીની આ ફિલ્મમાં  અમિતકુમાર વશિષ્ઠ, ટીના સિંહ, પ્રીતિ શર્મા, પ્રવિણ માહેશ્વરી, અતુલ હનવત, સયોની મિશ્રા સહિતે અભિનય આપ્યો છે.

ધ વિન્ડોની કહાની એક કલાકારની પોતાની કલા પ્રત્યે સાચા રહેવાની અને જીવનની ક્રુર સચ્ચાઇ વચ્ચેના સંઘર્ષ વિશેની છે. તેની કલા સિનેમા છે અને તેના માટે તે કોઇ સાથે સમજુતી કરતો નથી. આ પાત્ર ૩૧ વર્ષના યુવાન લેખનું છે. જે પોતાની કલા માટે પોતાના જ અહંકાર, ગભરાહટ અને સ્વાર્થ સાથે લડે છે. લેખ ઉધાર પૈસા લઇને ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે. તે પોતાની કારકિર્દી અને જીવનના નિર્ણયો લેવામાં સતત સંદેહ અનુભવતો રહે છે. પોતાની પત્નિ આયેશાથી તેને સખ્ત નફરત રહે છે. કારણ કે તે તેને દગો દઇ બીજા પુરૂષ સાથે ભાગી ગઇ હોય છે. લેખ પોતાના માતા-પિતાથી પણ નારાજ છે. કારણ કે તે નાનકડો હતો ત્યારે જ તેઓ અલગ થઇ ગયા હતાં. એ કારણે એની જિંદગી ખરાબ થઇ ગઇ હતી. તે એવા લોકોથી પણ નારાજ રહે છે જે તેની ટેલેન્ટ અને સખ્ત મહેનતની કદર નથી કરતાં. લેખનો એકમાત્ર મિત્ર ઇરફાન છે. જે તેને પ્રોજેકટ શોધી આપે છે. લેખને એક બ્લોક બસ્ટર તેલુગુ ફિલ્મની રિમેક લખવાનું કામ મળે છે. પણ તેને આ કામ જરાય પસંદ નથી પડતું. ઇરફાન તેને પૈસા નહિ આપવાની અને દોસ્તી તોડી નાંખવાની ધમકી આપે છે. અંતે તે સ્ક્રિપ્ટ લખવા તૈયાર થાય છે, પણ લખી શકતો નથી. તે એક રહસ્યમયી યુવતિથી સંમોહિત થઇ જાય છે. તે એ યુવતિને પોતાના ઘરની ગેલેરીમાંથી સતત જોતો રહે છે. લેખને ખબર પડે છે કે એ યુવતિને તેના ભાઇએ પુરીને રાખી હોય છે.

હવે લેખ એ છોકરીને બચાવવાનો નિર્ણય કરે છે. આ વિશે તે ઉંડાણપૂર્વક વિચારતો થઇ જાય છે. પોતાન જીવનની અનેક તકલીફો વચ્ચે પણ તે આ કામને પાર પાડવા તૈયાર થાય છે. અંતે તે એ યુવતિને બચાવી લે છે.

(9:54 am IST)