Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ટીવીમાં પ્રદર્શિત થતા રીયાલીટી શોમાં નિષ્‍ફળ ગયેલા ઘણા કલાકારો સખત પરિશ્રમથી જીવનમાં સફળ થયાના ઉદાહરણો

અરીજીત સિંહ, જુબિન નૌટિયાલ અને ભુમિ ત્રિવેદી સહિતના કલાકારો નિષ્‍ફળતા મળવા છતાં બાદમાં સફળ થયા

મુંબઇઃ ટીવીમાં પ્રદર્શિત થતા રીયાલીટી શો લોકોમાં ખુબ જ લોકપ્રિય છે. ઇન્‍ડિયન આઇડલથી લઇ સારેગામા સહિત સુપર સ્‍ટાર સિંગર સુધીના અનેક શો યોજાયા છે. આ શોમાં સામેલ અરીજીતસિંહ, જુબિન નૌટિયલા, નેહા કક્કર, વિશાલ મિશ્રા, મોનાલી ઠાકુર, રાહુલ વૈદ્ય, મોહમદ ઇરફાન અને ભુમિ ત્રિવેદી સહિતના કલાકારો આ શોમાં નિષ્‍ફળ રહ્યા હતા. આ તમામ કલાકારોએ આજે ફિલ્‍મી દુનિયામાં પોતાની આવડત અને પરફોર્મન્‍સથી જગ્‍યા બનાવી સફળ રહ્યા છે.

આજે ટેલિવિઝનની દુનિયામાં એકથી એક ચઢિયાતા રિયાલિટી શો જોવા મળી રહ્યા છે. એક શો પૂરો થાય છે અને બીજો શો શરૂ થઈ જાય છે. ઈન્ડિયન આઈડલથી લઈને સા રે ગા મા અને સુપરસ્ટાર સિંગર સુધી અનેક શો છે, જેનું રહસ્ય આજના સમયમાં આપણા બધાની ટીવી સ્ક્રીન્સ પર છે. રિયાલિટી શો જીતવો એક મોટી વાત હોય છે. પરંતુ શું તમે જાણો છે કે આજના સૌથી જાણીતા સિંગર્સમાંથી અનેક એવા જ રિયાલિટી શો હારી ચૂક્યા છે. તેમને વિશે તમને જણાવીશું. અરિજીત સિંહથી લઈને જુબિન નૌટિયાલ સંગ અનેક એવા સિંગર્સ છે જે હાર્યા પછી પણ જીવનમાં સફળ થયા છે.

1. અરિજીત સિંહ:

રિયાલિટી શો ફેમ ગુરુકુળમાં અરિજીત સિંહે ભાગ લીધો હતો. શોને જીતવાની યાદીમાં તે સૌથી આગળ હતો પરંતુ સિંગર વિનર બની શક્યો નહીં. અરિજીત સિંહ નંબર-3 પર આવ્યો હતો. આજે તે અરિજીત સિંહ દેશનો ટોપ સિંગર છે. તેમણે કલંકથી લઈને બ્રહ્માસ્ત્ર સુધી અનેક મોટી ફિલ્મોમાં ગીતને અવાજ આપ્યો છે. અરિજીતના અવાજના દીવાના આખી દુનિયામાં છે.

2. જુબિન નૌટિયાલ:

બોલીવુડના ફેવરિટ સિંગર્સમાંથી એક જુબિન નૌટિયાલે રિયાલિટી શો એક્સ ફેક્ટરમાં ભાગ લીધો હતો. પરંતુ તે તેમાં ટોપ પર જગ્યા મેળવી શક્યો નહીં. પરંતુ કહેવાય છે કે કિસ્મતનો કોઈ ભરોસો હોતો નથી. આજે જુબિન ભારતના ટોપ સિંગર્સમાંથી એક છે. તેના ગીત ફેન્સને ખૂબ પસંદ આવે છે.

3. નેહા કક્કર:

બોલીવુડની રિમેક ક્વીન નેહા કક્કરે ઈન્ડિયન આઈડલ 2016માં ભાગ લીધો હતો. તે 2005નો સમય હતો, જ્યારે નેહા અને તેનો ભાઈ ટોની કક્કર માતાના જાગરણમાં ગીત ગાતા હતા. ત્યારે જજ અનુ મલિકે તેમના ગીતને બિલકુલ પસંદ આવ્યું ન હતું. અનુએ કહ્યું હતું કે નેહાનું ગીત સાંભળીને તેને પોતાને થપ્પડ મારવાનું મન કરે છે. આજે નેહા કક્કર ઈન્ડિયન આઈડલ શોને જજ કરે છે. જ્યારે અનુ મલિક ઈન્ડિયન શોમાંથી બહાર છે.

4. વિશાલ મિશ્રા:

વિશાલ મિશ્રા આ સમયે ભારતીય મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિતારામાંથી એક છે. તેણે ઈન્ડિયન આઈડલ 14માં ભાગ લીધો હતો. તે ટોપ-10માં આવીને હારી ગયો હતો. વિશાલે કબીર સિંહ ફિલ્મનું ગીત કૈસે હુઆ સંગ સહિત અનેક શાનદાર ગીત આપ્યા છે.

5. મોનાલી ઠાકુર:

મોહ મોહ કે ધાગે અને સવાર લૂ જેવા ફેમસ ગીત ગાનારી મોનાલી ઠાકુરે ઈન્ડિયન આઈડલ 2માં ભાગ લીધો હતો. શોને તો તે જીતી શકી નહીં. પરંતુ આજે ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં તે મોટું નામ બની ગઈ છે.

6. રાહુલ વૈદ્ય:

સિંગર રાહુલ વૈદ્ય આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેણે ઈન્ડિયન આઈડલની સિઝન 1માં ભાગ લીધો હતો. શોમાં રાહુલ બીજા નંબરે આવ્યો હતો. પરંતુ આજે તે પોતાના મ્યુઝિક માટે જાણીતો છે. અને બિગ બોસમાં પણ તેણે ભાગ લીધો હતો.

7. સચેત ટંડન:

સચેત ટંડને રિયાલિટી શો ધ વોઈસ ઈન્ડિયામાં વર્ષ 2015માં ભાગ લીધો હતો. આ શોમાં તે વિજેતા બની શક્યો ન હતો. આજે સચેત મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિતારામાંથી એક છે. તેણે ફેમસ ગીત મૈય્યા મેનુ સંગ પતલી કમરિયાને અવાજ આપ્યો છે.

8. મોહમ્મદ ઈરફાન:

મોહમ્મદ ઈરફાને અમૂલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તે આ શોનો સૌથી જાણીતો સ્પર્ધક હતો. જોકે તેમ થતાં તે શો જીતી શક્યો ન હતો. તેણે બંજારા, બારિશ, જબ તુમ ચાહો જેવા ગીતને અવાજ આપ્યો છે. આ સિવાય તે બીજી ભાષાઓમાં પણ સિંગિંગ કરી ચૂક્યો છે.

9. તોશી શાબરી:

મોહમ્મદ ઈરફાન ઉપરાંત સિંગર તોશી શાબરીએ પણ અમૂલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તે શો જીતી શકી ન હતી. પરંતુ આજે તોશીની ઓળખ ઈન્ડસ્ટ્રીની જાણીતી મ્યુઝિક કમ્પોઝરમાં પણ ગણવામાં આવે છે.

10. ભૂમિ ત્રિવેદી:

ભૂમિ ત્રિવેદીએ ઈન્ડિયન આઈડલ-5માં ભાગ લીધો હતો. આ શોને તે જીતી તો શકી ન હતી પરંતુ બોલીવુડની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જગ્યા જરૂર બનાવી લીધી હતી. તેણે રામ ચાહે રામ લીલા, હુશ્ન પરચમ જેવા ગીતને અવાજ આપ્યો છે.

(5:18 pm IST)