Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

બોક્સ ઓફિસ ઉપર શાહિદ કપૂરની ફિલ્મ કબીરસિંહ છવાયેલી રહીઃ રૂ.૧૮૧.પ૭ કરોડની કમાણી કરવામાં સફળતા મેળવી

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફિસ પર છવાયેલી છે. વિવેચકો પણ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. શાહિદની આ ફિલ્મે ત્રણ દિવસમાં 50 કરોડ, 5 દિવસમાં 100 અને દસ દિવસમાં 175 કરોડની કમાણી કરવામાં સફળતા મેળવી છે. પ્રેમ, બ્રેકઅપ અને જુદાઈના વિષય પર બનેલી આ ફિલ્મમાં શાહિદનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહિદની સાથે કિયારા અડવાણી  જોવા મળે છે.

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે કબીર સિંહે 9મા દિવસ સુધી કુલ 163.73 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે 10મા દિવસે કુલ 17.84 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, બોક્સ ઓફિસ પર ફિલ્મે કુલ 181.57 કરોડ રૂપિયા સુધીની કમાણી કરવામાં સફળતા મેળવી છે. આ કમાણી સાથે કબીર સિંહ આ વર્ષે સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું બજેટ માત્ર 60 કરોડ રૂપિયા જ હતું.

કબીર સિંહ સાઉથ સુરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રિમેક છે. તેલુગૂમાં આ ફિલ્મ સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને આ હિન્દી ફિલ્મને પણ એમણે જ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી ઉપરાંત સોહમ મજૂમદાર, અર્જન બાજવા, સુરેશ ઓબેરોય, કામિની કૌશલ અને નિકિતા દત્તા મહત્વની ભૂમિકામાં છે.

(5:19 pm IST)