Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બીજી સીઝનમાં ખીચડી બરાબર પાકી નહીં :કોમેડી સિરીયલ ‘ખિચડી 2’ આ મહિનાથી થઈ જશે બંધ

પ્રેક્ષકોને જકડી રાખવામાં નિષ્ફળ:ઘટતા રેટિંગને કારણે પ્રોડ્યુસર્સે બંધ કરવાનો નિર્ણય કર્યો

મુંબઈ ;કોમેડી સિરિયલ ખીચડી હવે બંધ થવાના આરે છે પહેલી સીઝનમાં જબરી સફળતા મળ્યા બાદ બીજી સીઝનમાં ખીચડી-2 બરાબર જામતી નથી પ્રેક્ષકોને જકડી રાખવામાં નિષ્ફળ રહેતા અને સતત ઘટતા જતા રેટિંગના કારણે પ્રોડ્યુસર્સે સિરિયલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

  14 એપ્રિલથી શરુ થયેલા આ શોના છેલ્લા એપિસોડનું પ્રસારણ 22મી જુને થશે. ખિચડી 2માં સુપ્રિયા પાઠક, જેડી મજિઠિયા, રાજીવ મહેતા, અનંગ દેસાઈ તેમજ વંદના વૈદ્ય જેવા સીનિયર આર્ટિસ્ટ હતા, પરંતુ તેમ છતાંય આ શો પ્રેક્ષકોને હસાવવામાં પોતાની અગાઉની સીઝન જેટલો લોકપ્રિય નહોતો રહ્યો.

   આઈપીએલને કારણે પણ ખિચડીને જોરદાર ફટકો પડ્યો છે. આઈપીએલ બે મહિના ચાલી, અને આ શો પણ તેની સાથે જ શરુ થયો હતો. જોકે, ટી-20 મેચોને કારણે ખિચડીને ધાર્યું ઓડિયન્સ ન મળી શક્યું. શોના પ્રોડ્યુસર જેડી મજિઠિયાએ બોમ્બે ટાઈમ્સને જણાવ્યું હતું કે, આ વખતે આઈપીએલે ઘણા ટીવી શોના રેટિંગને અસર હોંચાડી છે

   મજિઠિયાએ કહ્યું હતું કે, આમ તો ખિચડીની બીજી સીઝન જુન મહિનાથી શરુ થવાની હતી, પરંતુ અમે તેને વહેલો શરુ કરી દીધો હતો. જો અમે જુન સુધી રાહ જોઈ હોત તો કદાત પરિણામ જુદું હોત. ઓડિયન્સે પણ અમારા કામની સરાહના કરી છે, અને તેને મળેલા રિસ્પોન્સથી અમે ખુશ છીએ. અમે આ શોના છેલ્લા એપિસોડનો પ્લાન કરી લીધો છે, અને આ મહિને જ શોનું શૂટિંગ બંધ થઈ જશે.

ખિચડીની પહેલી સીઝન ખૂબ જ સફળ રહી હતી. આ શો લાંબો સમય ચાલ્યો હતો, અને ઘણા સમયથી તેની બીજી સીઝન માટે ઓડિયન્સ ડિમાન્ડ કરી રહ્યું હતું. આ સીરિયલ પરથી જ ફિલ્મ પણ બની હતી, જેમાં સીરિયલના જ કલાકારો હતા, ફિલ્મને પણ સારી એવી સફળતા મળી હતી. જોકે, બીજી સીઝન તે જાદુ નહોતી ચલાવી શકી

   અગાઉ આ શો અઠવાડિયામાં ચાર દિવસ આવતો હતો, જ્યારે બીજી સીઝનમાં તે માત્ર શનિ-રવિ આવતો અને તે પણ એક કલાક સુધી. આ વખતે સીરિયલને ક્યારેક પરાણે ખેંચવામાં આવી રહી હોય તેવું પણ લાગતું હતું, અને ઓડિયન્સ બીજી સીઝનથી ખાસ ખુશ નહોતું. જેના પરિણામે શોનું રેટિંગ ઘટતું ગયું, અને આખરે તેને બંધ કરવાનો વારો આવ્યો છે.

(2:05 pm IST)