Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

જન્મદિવસની શુભકામના બોલીવુડના જગ્ગુ દાદાને

મુંબઇ: જગ્ગુ દાદાના હુલામણા નામે જાણીતા અભિનેતા જેકી શ્રોફન આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ જગ્ગુ દાદા... છેલ્લા ચારેક દાયકામાં સવા બસો જેટલી ફિલ્મો આપનારા જેકીએે સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી છે. મૂળ કઝાકસ્તાનના અને નિરાશ્રિત તરીકે અખંડ હિન્દુસ્તાનના લાહોર થઇને મુંબઇ આવેલો શ્રોફ પરિવાર મુંબઇના વાલકેશ્વર વિસ્તારમાં ત્રીસ બાય ત્રીસના રૃમમાં રહેતો હતો. જેકીના પિતા કાકુભાઇ જ્યોતિષ વિદ્યાના ઉપાસક હતા અને એમણે એવી આગાહી કરેલ ીકે જેકી આગેવાન અભિનેતા થશે અને સારું એવું નામ અને દામ કમાશે. એ આગાહી સાંભળીને જેકી હસી પડેલો. ટપોરીગીરી કરતો જેકી ટોચના ફિલ્મ સર્જક સુભાષ ઘાઇની નજરે ચડી ગયો અને એમણે ૧૯૮૩માં પોતાની ફિલ્મ હીરોમાં જેકીને પહેલવહેલી તક આપી. એ ફિલ્મ હિટ નીવડી અને જેકીની ગાડી ચાલી નીકળી. મોટે ભાગે રફ એન્ડ ટફ ટાઇપના રોલ્સ એને ભાગે વધુ આવ્યા. વચ્ચે એક સમયગાળો એવો પણ આવ્યો જ્યારે એની અનિલ કપૂર સાથેની ફિલ્મો સુપરહિટ નીવડી હતી. સહેલાઇથી માનવામાં ન આવે એવી હકીકત એ છે કે દસથી વધુ ભાષાની ફિલ્મોમાં જેકી ચમક્યો હતો. હિન્દી ઉપરાંત જેકીએ મરાઠી, તમિળ, તેલુગુ, બંગાળી, પંજાબી, ઉડિયા, કોંકણી, કન્નડ, ભોજપુરી અને મલયાલમ ફિલ્મો પણ કરી હતી.
 

(4:22 pm IST)