Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

અધ્યાપક-અભિનેતા-વકતા-ઉદઘોષક સ્ક્રીપ્ટ રાઇટર ડો. સંજય કામદારનો જન્મદિન

રાજકોટ તા. ર૧ :.. શ્રીમતી કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટના ગુજરાતીનાં અધ્યાપક ડો. સંજય ધર્મેન્દ્રકુમાર કામદારનો આજે પ૪ માં વર્ષમાં પ્રવેશ થયો છે. તેઓ 'પ્રાઇડ ઓફ ન્યુ જનરેશન' અને 'આઉટ સ્ટેન્ડીંગ યંગ પર્સન' એમ બે પુરસ્કાર એવોડર્સથી બહુમાનિત તેમજ પી. એચ. ડી., બેચલર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન જેવી ઉચ્ચ શૈક્ષણીક પદવી ધરાવે છે.

સોંગ એન્ડ ડ્રામા ડીવીઝન, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ મિનિસ્ટ્રી, ન્યુ દિલ્હી, ભારત સરકાર તરફથી ત્રણ વખત 'વરિષ્ઠ કલાકાર' શ્રેણી પ્રાપ્ત આ અભિનેતાએ 'સમરયાત્રા', 'શતરૂપા' અને 'જમુનીયા-તસ્વીર બદલતે ભારત કી' જેવા અનેક લાઇટ એન્ડ સાઉન્ડ શો (કેન્દ્ર સરકાર), 'ધન્ય ધરા સૌરાષ્ટ્રની' સહિતના અનેક 'વાઇબ્રન્ટ ગુજરાત' શો (ગુજરાત રાજય સરકાર), ફિલ્મ 'વીર હમીરજી-સોમનાથની સખાતે' (મહમદ બેગડો - મુખ્ય ખલનાયક), સહિત પાંચ ફિલ્મો, ૮૦ થી વધુ ટેલી ફિલ્મો (એકટીંગ એન્ડ ડબીંગ), મેરી કહાની (દિલ્હી દૂરદર્શન), અમરકથાઓ (અમદાવાદ દૂરદર્શન), જય સ્વામીનારાયણ (સબ ટીવી -હિન્દી), નરસિંહ મહેતા (ઇ-ટીવી- કલર્સ ગુજરાતી), સપનું એક સવાયુ (રાજકોટ દૂરદર્શન) જેવી સિરીયલ્સમાં અભિનય કરવા ઉપરાંત મુળભુત રીતે રંગમંચ અને તખ્તાના કલાકાર તરીકે ઇ.સ. ૧૯૮૧ થી અભિનય આપ્યો છે.

સરદાર પટેલ, નહેરુ, જોગીદાસ ખુમાણ, જોધા માણેક, સકર મામદ જમાદાર, ઢોલરો આપર, મુઝફકર શાહ સુલતાન જેવી વિવિધ રંગી ભૂમિકાઓ ભજવી ઉત્તમ અદાકારી અને ઉત્તમ અભિનય ક્ષમતાનો પરિચય આપી નવી પેઢીમાં એક સશકત અભિનેતા તરીકે પ્રતિષ્ઠિત થયા છે. બે વખત બિરલા ભવન (દિલ્હી), જોધપુર, ઔરંગાબાદ જેવા સ્થળોએ રાષ્ટ્રીય સ્તરે નાટયમંચન ઉપરાંત વિદ્યાર્થી જીવનમાં વિવિધ સ્પર્ધાઓમાં ૩પ૦ થી પણ વધુ સ્પર્ધાઓમાં વિજેતા બની પુરસ્કાર પ્રાપ્ત કરી વકતૃત્વ કે ડિબેટ સ્પર્ધાઓમાં જયપુર, નૈનિતાલ, ગોવા, અરૂણાચલ જેવાં સ્થળોએ રાષ્ટ્રીય કક્ષાએ સૌરાષ્ટ્ર યુનિ. કે ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કર્યુ છે.

પુર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપાઇના એક અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતાં ત્યારે તેમના ૧૭ કાર્યક્રમો સહિત વર્તમાન અને પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓના કુલ ૩૦ કાર્યક્રમોમાં ઉદઘોષક - કાર્યક્રમ સંચાલક તરીકે સેવા આપનાર સંજય કામદારે પૂ. મોરારીબાપુ, પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી, સ્વામી સચ્ચિદાનંદજી, નીતિન મુકેશ, અન્નુકપુર, ઉદીત નારાયણ જેવા વ્યકિત વિશેષના કાર્યક્રમોમાં એન્કર તરીકે તેમજ છેલ્લા સાડા ત્રણ દાયકાથી આકાશવાણી (રેડીયો નાટક - ઉદ્ઘોષણા) અને દૂરદર્શનના કલાકાર તરીકે 'આવાઝી' પ્રતિભાનો પરિચય આપ્યો છે. લગભગ બે દાયકા જેટલા સમયથી ન્યુઝ રીડર તરીકે લોકપ્રિય રહ્યાં છે. અનેક સંગીત રૂપકોમાં વાચિક અભિનય આપનાર તથા દસ્તાવેજી ચિત્રોમાં 'વોઇસ ઓવર આર્ટીસ્ટ' તરીકે કામગીરી બજાવનાર સંજય કામદાર (૯૮ર૪૪ પ૩૮૬પ) લિખિત ડોકયુમેન્ટરી ફિલ્મ તેમના જ અવાજમાં રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય પ્રસારણમાં સ્થાન પામેલી છે.(પ.૧૯)

(11:47 am IST)