Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાનો કાલે જન્મદિન

કાલે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમઃ વિષ્ણુભાઈ તેમના સાહિત્ય - પત્રકારત્વના ૫૦ વર્ષો વિશે વ્યાખ્યાન આપશે : જન્મદિનની અનોખી ઉજવણી

રાજકોટ : સાહિત્યકાર - પત્રકારોના જન્મદિવસને અલગ રીતે ઉજવવાનો પ્રયોગ ઓમ કોમ્યુનિકેશનના કવિ મનીષ પાઠકે પ્રારંભ કર્યો છે. તેમાં આવતીકાલે તા.૧૪ના શુક્રવારે ખ્યાત સાહિત્યકાર - પત્રકાર વિષ્ણુભાઈ પંડ્યાના જન્મદિવસની અમદાવાદમાં મિલન - ગોષ્ઠી સ્વરૂપે ઉજવણી થશે. સાહિત્ય - પત્રકાર - શિક્ષણના ક્ષેત્રે મહત્વના પ્રદાન માટે જેમને ૨૦૧૭નો સર્વોચ્ચ નાગરીક પુરસ્કાર રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના હસ્તે એનાયત થયો હતો, તે શ્રી વિષ્ણુ પંડ્યા ગુજરાત સાહિત્ય અકાદમી સહિત હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી સાહિત્ય અકાદમીનું અધ્યક્ષપદ સંભાળી રહ્યા છે. તેમના ૯૩ પ્રકાશિત પુસ્તકમાં નવલકથા, નિબંધ, રાજકીય વિશ્લેષણ, પત્રકારત્વ અને ઈતિહાસનો સમાવેશ થાય છે.

કટોકટી અને સેન્સરશીપની સામે 'સાધના' સામાહિકના તંત્રી તરીકે સંઘર્ષ કર્યો અને 'મિસા' હેઠળ એક વર્ષ જેલવાસ સેવ્યો હતો. તેમના 'મિસવાસ્યમ' પુસ્તકને સાહિત્ય પરિષદનું કાલેલકર સન્માન પ્રાપ્ત થયુ હતું. સ્વાતંત્ર્ય જંગના અજાણ ઈતિહાસકારના લેખન માટે નર્મદ ચંદ્રક પ્રાપ્ત કરનાર વિષ્ણુભાઈ પંડ્યાએ પંદરમી ઓગષ્ટ, ૨૬મી જાન્યુઆરી અને પહેલી મેના દિવસોએ ગુજરાતના ૩૫ જેટલા સ્થાનોએ સ્થાનિક ઈતિહાસને આવરી લેતી નાટ્ય - પ્રસ્તુતિ કરી છે.

વિષ્ણુભાઈ અને તેમનાં પત્નિ (હવે સ્વર્ગસ્થ) ડો.આરતી પંડ્યાએ સાહિત્ય, ઈતિહાસ, 'સમાંતર' સામાયિક પ્રકાશન, ઈતિહાસ લેખન, ફિલ્મ - આસ્વાદ અને અધ્યાપનમાં છેલ્લા ૫૦ વર્ષથી મહત્વનું પ્રદાન કર્યુ છે. તેમના પુસ્તકો રાજકીય વિશ્લેષણ 'સમયના હસ્તાક્ષર' વાજપેયીજીના કાવ્યો વિશે 'આંધીઓમે જલાયે બુઝતે દિયે', આત્મકથા 'શબ્દની રણભૂમિ' અને 'મિસાવાસ્યમ', 'ઓહ આસામ!', 'ભારતના રાજકીય ઝંઝાવાતના વર્ષો', 'સમગ્ર ગુજરાત', 'સમગ્ર ભારત' વગેરે પુસ્તકી ખ્યાત રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કવિ - સંગઠન 'પેન્ટાસી'એ તેમને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજીત કર્યા હતા. કેરળની સામ્યવાદી સરકારે એલેપ્પી ગુજરાતી સાંસ્કૃતિક વારસો - મહોત્સવમાં વિશેષ અતિથિ તરીકે નિમંત્રીત કર્યા હતા.

૧૪ સપ્ટેમ્બર, શુક્રવારે તેમના ચાહકો - શુભેચ્છકો - મિત્રોએ જન્મદિવસની ઉજવણી આત્મા સભાખંડ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ઓફીસની પાસે, અમદાવાદમાં સાંજે ૫ વાગ્યે રાખી છે. વિષ્ણુભાઈ પંડ્યા તેમના સાહિત્ય પત્રકારત્વનાં ૫૦ વર્ષો વિશે વ્યાખ્યાન આપશે. (શ્રી વિષ્ણુભાઈ પંડ્યા - મો. ૯૪૨૭૮ ૦૪૭૨૨)

(11:39 am IST)