Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

હાસ્યકલાકાર જય છનીયારાનો જન્મદિન

વિકલાંગતાને બે ડગલા પાછળ ધકેલી દેનારા

રાજકોટઃ જીના ઈસીકા નામ હૈ... પીડાને કોરાણે મુકીને સમગ્ર વિશ્વમાં હાસ્ય પીરસનાર દેશના સૌથી નાની વયના વિકલાંગ હાસ્યકલાકાર જય છનીયારાનો આજે જન્મદિન છે. શરીરે વિકલાંગ પણ મનોબળે શકિતમાન એવો જય હાસ્યકલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં રાજકોટનો ડંકો વગાડી ચુકયો છે. તા.૨૨ ઓકટોબર ૧૯૯૩ના રોજ જન્મેલા જયની અડધી ઉંમર હોસ્પિટલોમાં ગઈ છે, છતાં પણ એ વિશ્વની શ્રેષ્ઠ દવા વહેચે છે એ છે હાસ્ય.

વ્હીલચેર પર નાનકડા સ્ટેજ શો થી કારકિર્દીની શરૂઆત કરી, અત્યાર સુધી નાના મોટા ૧૬૦૦ હાસ્ય કાર્યક્રમ અને લગભગ ૩૦૦ જેટલા પ્રસિધ્ધ એવોર્ડ મેળવનાર જયે દુનિયાના સૌથી નાના વિકલાંગ હાસ્યકલાકાર તરીકે એશીયાબુક અને લિમ્કાબુક જેવા સાત- સાત વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે. લાફટર ચેલેન્જ અને તારક મહેતા કા ઉલટા ચશ્માં જેવી લોકપ્રિય ટેલીવિઝન શ્રેણીએ જયની કારકિર્દીને વેગ આપ્યો છે. શિરડી સાંઈબાબામાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર જયે અનેક જગ્યાએ સાંઈ ભજનના કાર્યક્રમો પણ આપ્યા છે. તેમજ મસ્કત, આફ્રિકા અને લંડન વગેરે દેશોને હાસ્યમાં તરબોળ પણ કર્યા છે.

જીવનના વીસ વર્ષો વ્હીલચેર પર વિતાવ્યા બાદ સૌના પ્રેમ અને પોતાના મનોબળથી જય સ્ટીક વડે ચાલતો થયો છે. તેઓ માને છે કે વિકલાંગ કોઈ વ્યકિત નથી હોતો, વિકલાંગ એ સમાજ હોય છે જે કોઈ આશાસ્પદ વ્યકિતને વિકલાંગ કહે છે. સૌનો પ્યારો જય આવીજ રીતે આગળ વધતો રહે અને હસતો- હસાવતો રહે એવી શુભકામનાઓ સાથે તેઓને મો.૯૯૭૮૪ ૪૨૭૦૮, મો.૯૮૭૯૫ ૫૧૩૨૫ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(2:55 pm IST)