Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દેશભરના કોંગ્રેસના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક પોતાના નેતાનો જન્મ દિવસ ઉજવવા કમ્મરકસી

આજે રાહુલ ગાંધીનો જન્મ દિવસઃ ૪૮ વર્ષના થયાઃ પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, તા. ૧૯ :. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે ૪૮મો જન્મ દિવસ છે. કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર દેશમાં પોતાના આ નેતાનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવાનું શરૂ કરી દીધુ છે. ૧૯ જૂન ૧૯૭૦ના રોજ જન્મેલા રાહુલ ગાંધીએ ૨૦૦૪માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. હવે તેઓ પક્ષના અધ્યક્ષ છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે પોતાની રાજનીતિને સંપૂર્ણ રીતે બદલી નાખી છે. પીએમ મોદીએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

રાહુલ ગાંધીએ હવે આક્રમક વલણ અપનાવ્યુ છે અને તેઓ પીએમ મોદી ઉપર સતત પ્રહારો કરતા રહે છે. એટલુ જ નહિં સોશ્યલ મીડીયા થકી પણ વાર કરવાનું ચૂકતા નથી. ગયા વર્ષે પક્ષનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાત અને કર્ણાટકની ચૂંટણીમા જે રીતે તેમણે પક્ષને જીવંત કર્યો અને ભાજપને પછડાટ આપી તેનાથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો પ્રાણ ફુંકાયો હતો.

રાહુલ ગાંધી માટે હવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી છે. આ ત્રણેય રાજ્યોમાં વર્ષોથી ભાજપ સત્તા પર છે. છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ વિરૂદ્ધ દેશમાં માહોલ બની રહ્યો છે અને કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા ઈચ્છશે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા જો કોંગ્રેસ આ રાજ્યોમાં વિજયનો સ્વાદ ચાખશે તો તેને મોટો માનસિક લાભ થશે. આ કવાયતમાં રાહુલે આગેવાની લઈ વિપક્ષને એકજુથ કરવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે.

(11:30 am IST)