Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વરિષ્ઠ પત્રકાર કાંતિભાઇ કતિરાનો કાલે જન્મ દિવસ : ૮૮માં થશે પ્રવેશ

રાજકોટ, તા. ૧પ : દેશની આઝાદી વખતે સોળ વર્ષની ઉંમર ધરાવનાર કાંતિભાઇ કતિરાનો જન્મ ગોંડલ રાજયના ઉપલેટામા તા. ૧૬મી જૂને થયો હતો. ભણતર ઉપલેટા, રાજકોટ અને મુંબઇમાં પત્રકારત્વના ક્ષેત્રે પા-પા પગલી 'ફૂલછાબ'માં શ્રી ભૂપતભાઇ વડોદરિયા પાસે ભરેલ. તે પછીજનશકિત આઠ વર્ષ મુંબઇ સમાચારમાં અત્યારે 'જયહિન્દમાં સમાચાર' તંત્રી.

રાજકોટમાં કુવકુંવરબા મિડલ સ્કૂલ, આલ્ફ્રેડ હાઇસ્કૂલ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ. આલ્ફ્રેડમાં શ્રી સી.એ. બુચ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં તે વખતના શિક્ષણક્ષેત્રના મહારથીઓ ડો. રમણલાલ યાજ્ઞિક, ડી.પી. જોશી, અનંત ભટ્ટ, કનુભાઇ જાની અને ઉપેન્દ્ર પંડયા જેવા વિરલ વિદ્યાપતિઓનોે લાભ લઇ ચૂકયા છે. ૧૯૬૬-૬૭માં લોકસભાની ચૂંટણી વખતે સ્વતંત્ર પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી , મીનુ મસાની (રાજકોટના ઉમેદવાર)ની ચૂંટણી કચેરીમાં સેક્રેટરી તરીકે સેવા આપી અને ચૂંટણીમાં ધીંગો વિજય. તે પછી તરત પત્રકારત્વ (૧૯૬૭ના મે માસથી હમણા સુધી, 'જયહિન્દ'ના એલાઇડ પ્રકાશનો-બાલ સપ્તાહિક, ફૂલવાડીનું સંપાદન, ધાર્મિક માસિક 'પરમાર્થ'નું સંપાદન, સ્ત્રી-સાપ્તાહિક 'અમૃતા'નું સંપાદન, 'નિરંજન' મેગેઝીનનું સંપાદન, સીને સાપ્તાહિક, મુંબઇમાં પ્રખર સાહિત્યકાર-પત્રકાર શ્રી મોહનલાલ મહેતા (જન્મભૂમિના તંત્રી)ના ગૃહ માધુરી- 'બાલ માધુરી' ના સંપાદન સહાયક તરીકેસેવા આપી 'પ્રજાતંત્ર' માં શ્રી તારક મહેતા, જગદીશ શાહ, 'પત્તાની જોડ'ના શ્રી પ્રબોધભાઇ, 'જેસલ તોરલ' ના શ્રી અવિનાશ વ્યાસ અને શ્રી કિશોર દોશી, પ્રવિણ જોશી, 'જન્મભૂમિ'ના શ્રી વેણીભાઇ પુરોહીત, હરીન મહેતા, મુંબઇ સમાચારના શ્રી શાંતિકુમાર ભટ્ટ, અને શ્રી હરિહર ત્રિવેદી એમ સાહિત્ય, નાટય અને પત્રકારત્વક્ષેત્રે આ સમયના મહારથીઓ સાથે કામ કરવાનું સૌભાગ્ય સાપડયું.

મુંબઇ-રાજકોટમાં અને લંડન-યુરોપમાં પ્રવાસો વખતે પણ પત્રકારત્વક્ષેત્રનાં વિવિધ પાસાંઓ વિષે જાણકારી મેળવી.

ગુજરાતના ગવર્નર, નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા, આરોગ્ય મંત્રીશ્રી અશોકભાઇ ભટ્ટના હસ્તે શ્રીકૃષ્ણ ચિકિત્સાલય, શ્રી લોહાણા સેવા મંડળના ચેરમેન શ્રી નટુભાઇ કોટકે એમને 'રઘુવંશી ભૂષણ' ના ખિતાબથી સન્માનીત કર્યા હતાં. રાજકોટ લોહાણા મહાજન અને શ્રી લોહાણા પરિષદ વતી તેના પ્રમુખ તેમની જ્ઞાતિ સેવાઓ, અને સમાજ સેવાઓને સન્માન પત્ર દ્વારા સન્માનિત ફેડરેશને તેમને લાઇફ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનપત્ર અને ચંદ્રકો વડે સન્માનીત કર્યો છે.

રાજકોટના સદ્ગુરૂ સદન-આશ્રમમાં પૂ. શ્રી રણછોડદાસજીબાપુની પ્રેરણા અને કૃપા હેઠળ માનવ સેવા અને ગૌ સેવાની ૩૭ પ્રવૃતિઓ સાથે તેઓ તન-મનથી સંકળાયેલા રહ્યા છે. શેષજીવન ગુરૂદેવને સમર્પિત નેત્રયજ્ઞો વગેરે તમામ પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા છે.

પંડિત જવાહરલાલ નહેરૂ, શ્રીમતી ઇંદિરા ગાંધી, વાજપેયી, એલ.કે. અડવાણી, ભૂપેશ ગુપ્તા, જયોર્જ ફર્નાન્ડીસ, મધુ લિમયે, મોરારજી દેસાઇ, મીનુ મસાની સહિત જુદા જુદા રાજકીય પક્ષોના અને ધર્માચાર્યોની પત્રકાર પરિષદોની સેવાઓ તેમણે આપી છે.

આચાર્ય રજનીશજી (ઓશો)ની પત્રકાર પરિષદોમાં પણ તેઓ હાજરી આપી ચૂકયા છે. શેષ જીવનમાં માનવસેવા અને યુગલક્ષી ધાર્મિક પ્રવૃતિઓ સિવાય કશીજ કામગીરીઓને તેઓ મહત્વ આપતા નથી. તેમના હાથે નિઃસ્વાર્થ પ્રવૃતિઓ થતી રહે, એવી એકજ તેમની મહેચ્છા છે.

(4:19 pm IST)