Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઈશ્વર કી કૃપા કા ડેરા, મહેકે હર દિન સવેરા...

'પાણીવાળા' વજુભાઈ વાળાઃ રાજ્યપાલને ૮૩મું બેહુ-બેહુઃ કાલે વર્ષગાંઠની વધામણી

રાજકોટઃ. વર્ષો પહેલા 'પાણીવાળા' મેયર તરીકે બિરૂદ મેળવીને દરેક પદ પર તે જાળવી શકેલા કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ આર. વાળા જીવનના વધુ એક વર્ષ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેમનો જન્મ ૧૯૩૮ના વર્ષની ૧૨ જાન્યુઆરીએ થયેલ. આવતીકાલે ૮૩મું વર્ષ બેસશે.

ભાજપના પાયાના પથ્થરો પૈકીના એક શ્રી વજુભાઈ વાળા રાજકોટ પશ્ચિમની ધારાસભા બેઠક પરથી ૭ વખત ચૂંટાવાનો અને રાજ્યના નાણામંત્રી તરીકે ૧૮થી વધુ વખત બજેટ રજુ કરવાનો વિક્રમ ધરાવે છે. 'કમળ' સંગે તેમનું જાહેર જીવન મહેકતુ રહ્યુ છે. નાગરિક સહકારી બેંકના ચેરમેન પણ હતા. રાજ્યમાં નાણા, શ્રમ રોજગાર, મહેસુલ, ઉર્જા, વાહન વ્યવહાર વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકયા છે. ભાજપનું પ્રદેશ પ્રમુખ પદ સંભાળવા તેમણે બે વખત પ્રધાનપદેથી રાજીનામુ આપ્યુ હતું. ખ્યાતનામ સંસ્થાઓ દ્વારા તેમને ગૌરવપૂર્ણ એવોર્ડ એનાયત થયેલા છે. સામાન્ય માણસ સાથે પણ દૂધમાં સાકર ભળે તેમ ભળી શકે છે. રાજયોગની બાબતમાં શ્રી વાળા નસીબવાળા ગણાય છે. હાજર જવાબીપણુ અને રમુજવૃતિ તેમની વિશેષ ઓળખ છે. ગુજરાતમાં લાંબો સમય 'વિજય' પંથના પ્રવાસી રહ્યા બાદ છેલ્લા સવા પાંચ વર્ષથી કર્ણાટકના બંધારણીય વડા તરીકે સેવા આપી રહ્યા છે. જેના હાથમાં હંમેશા છે સફળતાની માળા, એવા આપણા વજુભાઈ વાળા...

મો. ૯૮૨૪૦ ૪૩૬૩૨ અને ૯૮૨૪૧ ૧૬૪૧૪ - બેંગ્લોર (કર્ણાટક)

 

(11:16 am IST)