Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ના કીસી સે કોઈ ઈર્ષા, ના કોઈ હોડ, મેરી અપની મંજિલ, મેરી અપની દોડ

ફુલોની જેમ ખીલેલા, ખુશ્બુની જેમ ફેલાયેલા ગુણુભાઈનો બર્થ ડે

આજના પવિત્ર દિવસે ૬૫માં વર્ષની ડેલીએ ડેલાવાળાના ટકોરા

રાજકોટઃ વહ રીસ્તા બડા પ્યારા હોતા હૈ, જીસમેં ન હક્ક, ન શક, ન અપના, ન પરાયા, ન દૂર, ન પાસ, સિર્ફ અપનેપન કા અહેસાસ હી અહેસાસ હો... પોતીકાપણાનો ભાવ દર્શાવતી આ વાત સરગમ કલબના સુપ્રીમો શ્રી ગુણવંતભાઈ ડેલાવાળાએ સિદ્ધ કરી છે. આજે તેમણે ફુલોની જેમ ખીલેલા અને ખુશ્બુની જેમ મહેકતા જીવનના ૬૫માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે (જન્મ તા. ૧૩ સપ્ટેમ્બર ૧૯૫૪) જોગાનુંજોગ સવંત્સરી અને ગણેશ ચતુર્થીનો પૂણ્યભીનો દિવસ છે. તેઓ માને છે કે, ભૂલ થાય તો માફી માંગવાનો આપણો અધિકાર છે અને માફી આપવાનો સામેવાળાનો અધિકાર છે. વિઘ્નકર્તાની તાકાત કરતા વિઘ્નહર્તાની તાકાત મોટી છે.

છેલ્લા ૩૬ વર્ષથી સરગમ કલબનું સફળ નેતૃત્વ કરી રહેલા ગુણવંતભાઈ ડેલાવાળાની યશકલગીમાં ૩૯ જેટલા સેવા પ્રકલ્પોના છોગા શોભે છે. મુકિતધામ, હેમુ ગઢવી હોલ, ઈન્ડોર સ્ટેડીયમ, પ્લેનેટોરીયમ, ઈવનીંગ પોસ્ટ ગાર્ડન, ૬ આરોગ્ય સંકુલ, લાઈબ્રેરી વગેરેના સંચાલનમાં તેમની કાબેલિયત ચમકી છે. ગોપીરાસ, કનૈયાનંદ રાસ, લોકડાયરા, કવિ સંમેલનો વગેરે દ્વારા રાજકોટની સાંસ્કૃતિક ઓળખને ચાર ચાંદ લગાવ્યા છે. ભૂતકાળમાં રૂડાના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. સરકાર તેમને લાઈવલીહુડ મિશન ડીરેકટરની જવાબદારી સોંપી છે. વર્ષોથી સંઘ અને ભાજપના રંગે રંગાયેલા છે. સૌરાષ્ટ્ર વૈષ્ણવ સમાજમાં તેઓ આભૂષણ ગણાય છે. ડેલાવાળા કુળના વ્હાલા ગુણવંતજી...

શ્રી ડેલાવાળાએ અનુભવ્યુ છે કે, જિંદગીમાં કપરો સમય વોશીંગ મશીન જેવો હોય છે. આપણને ગોળગોળ ઘુમાવે, નીચોવી નાખે અને પટકી દે પણ આખરે તો સ્વચ્છ, ઉજળા અને પહેલા કરતા વધારે સરસ બનાવીને બહાર લાવે છે. સુધારી લેવા જેવી હોય છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી હોય છે બીજાની ભૂલ, બસ આટલુ કરીએ તો રોજ દિલમાં ઉગે સુખના ફુલ...

જાહેર જીવનમાં ગુણવંતભાઈ ડેલાવાળાની સદાબહાર ખુશીનું રહસ્ય એ છે કે તેઓ કેટલાકનું સાંભળી લ્યે છે અને કેટલાકને સંભાળી લ્યે છે. સૌનો સાથ, સૌનો વિકાસમાં સહમત છે પણ લાગે છે કે બધા લોકોના દિલમાં ધડકવું અનિવાર્ય નથી, અમૂકની આંખમાં ખટકવાની પણ અલગ જ મજા હોય છે. જન્મદિનની શુભેચ્છા બદલ સૌનો આભાર માની તેઓ પ્રત્યુત્તરમાં એક પંકિત યાદ કરે છે.

પ્રેમ પામ્યો આપનો, આ દિલમહીં સ્વીકાર છે,

સર્વને વહેચી દઉ એ પ્રેમનો વિસ્તાર છે.

મો. ૯૮૨૪૦ ૪૦૮૮૯, ૯૯૯૮૦ ૪૧૮૯૦ - રાજકોટ

(11:39 am IST)