Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

લ્યો, પ્રવિણ જોષીને ૭૦ પૂરા

કમ્પોઝીટરથી માંડીને એડીટર સુધીની પચાસ વર્ષની સંઘર્ષભરી મિશાલ

રાજકોટ : સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં ૧૯ એપ્રિલ, ૧૯૪૮નાં રોજ જન્મેલા પીઢ પત્રકાર પ્રવિણ જોષીએ સફળ જીવનના સાત દાયકા અને પત્રકારિત્વના કારકિર્દીના પચાસ વર્ષ પૂરા કર્યા છે. કમ્પોઝીટરી માંડી એડીટર સુધીની આ સફર ભારે સંઘર્ષભરી રહી છે. ૧૯૬૮માં મેટ્રીકની (એસએસસી) પરીક્ષા બાદ નોકરી  માટે થોડો સમય ફાંફા માર્યા પણ મળી નહિં એટલે રાજકોટ ખાતે જય સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસ (આજનું અકિલા)માં કમ્પોઝ શીખવાનું નક્કી કર્યુ. ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ટાઈપના ખાના શીખવેલા, તેમણે સારા મુહૂર્તમાં ખાના શીખવેલા હશે કે એ પછી ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી જનસત્તામાં પ્રૂફ રીડર, સબ એડીટર, રીપોર્ટર અને ચીફ રીપોર્ટર પદે રહી સાડી બત્રીસ વર્ષ નોકરી કરીને નિવૃતિ મેળવ્યા પછી ગુજરાત સમાચાર ભાવનગર ખાતે હેડ ઓફ ધી એડોટોરીયલ ડીપાર્ટમેન્ટ તરીકે એક વર્ષ અને ત્યારબાદ રાજકોટ સંદેશમાં પાંચ વર્ષ રેસીડન્સ એડીટર તરીકે રાજકોટ, ભાવનગર અને કચ્છ આવૃતિનું પ્રતિનિધિત્વ કર્યુ. એક વર્ષ ભાવનગર સંદેશમાં કામ કર્યુ ગામડાના માણસ તરીકે આ એક ગૌરવપ્રદ ભૂમિકા હતી, ભગવાને લાયકાત કરતા ઘણુ વધુ આપ્યાનો સંતોષ છે. પ્રવિણ જોષીએ જય હિન્દ, જનસત્તા, અબતક, આજતક તેમજ ''આઝાદ સંદેશ''માં મહત્વની ભૂમિકા ભજવી છે અને ભજવી રહ્યા છે. પચાસ વર્ષની આ પત્રકારિત્વ સફરમાં નૈષધ કારીયા, દેવેન્દ્ર જોષી, કિશોર ડોડીયા, નિલેશ પંડ્યા, ભુપેન રાવલ તથા તમામ અખબારોના તમામ સાથીઓનો અજોડ સહકાર અને પ્રેમ સાંપડ્યા છે. પ્રવિણ જોષીની પ્રગતિમાં તેમના પરીવારના તમામ સભ્યોનો પ્રેમ તથા સહકાર બેજોડ રહ્યા છે. ૭૧માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે પ્રવિણ જોષીએ આ જ વર્ષમાં કારકિર્દીની સિલ્વર જ્યુબિલી યાને કે ફિફટી મારી છે. પ્રવિણભાઈ જોષી ઉર્ફે બાપુને જન્મદિવસની ઠેર ઠેરથી ૯૮૨૫૬ ૯૫૦૩૬ ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.(૩૭.૧૪)

(4:03 pm IST)