Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ડીસીપી મનોહરસિંહ જાડેજાનો જન્મદિવસ

૪૬મા જન્મદિને યુવા અધિકારીને ઠેર ઠેરથી શુભકામનાઓ

રાજકોટ તા. ૨૬: શહેર પોલીસના કાર્યદક્ષ ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજાનો આજે ૪૬મો જન્મદિવસ છે. ૨૬ ફેબ્રુઆરી ૧૯૭૫ના રોજ જન્મેલા શ્રી મનોહરસિંહ જાડેજા જોમ જુસ્સા અને તરવરાટથી ભરપુર અધિકારી છે. તેમને મોટી સંખ્યામાં અધિકારીઓ, મિત્રવર્તુળ, સગા સ્નેહીઓ તરફથી અનેકાનેક શુભેચ્છાઓ મળી રહી છે.

ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની શ્રી મનોહરસિંહ જાડેજાએ રાજકોટ શહેરમાં ઝોન-૨ ડીસીપી તરીકે ચાર્જ સંભાળ્યો એ સાથે જ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવી કામગીરી કરી છે. પ્રારંભે શહેરની સોૈથી મોટી સમસ્યા ટ્રાફિક વિભાગની જવાબદારી પણ સંભાળી હતી. તેમણે અગાઉ પ્રોબેશન પિરીયડ દરમિયાન પણ બનાસકાંઠામાં રાજપીપળા ખાતે ચાર વર્ષ સુધી એસીપી તરીકે પ્રશંસનિય ફરજ બજાવી હતી. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પણ તેમને સારો અનુભવ છે. ધોળકા એસીપી તરીકે દસ મહિના તરીકે નોંધપાત્ર કામગીરી કરી હતી. એ પછી તેઓ રાજકોટમાં ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જામનગરના રિટાયર્ડ સેલ્સટેકસ ઓફિસર નટવરસિંહ જાડેજાના ત્રણ પુત્રોમાં સોૈથી નાના મનોહરસિંહે જામનગરની બીકેવી કોલેજમાં બીએસસી કર્યુ હતું. એમએસસીની ડિગ્રી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેળવી હતી. અભ્યાસ પુરો કર્યા બાદ કોડીનાર ગુજરાત સિમેન્ટમાં પ્રોડકશન ઓફિસર તરીકે અને રેલ્વેમાં આસીસ્ટન્ટ રેલ્વે માસ્ટર તરીકે કામ કર્યુ હતું. એ પછી સખત મહેનત-પરિશ્રમ કરી જીપીએસસી-૨૦૦૬ની પરિક્ષામાં સમગ્ર ગુજરાતમાં ટોપ કર્યુ હતું.

અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બંદોબસ્તની પ્રસંશનિય કામગીરી બદલ તેમને એસપીજી એવોર્ડથી સન્માનીત કરાયા હતાં. કેવડીયાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત વખતે પણ તેમને ખાસ ફરજ સોંપાઇ હતી. સરળ જીવન અને પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરતાં શ્રી મનોહરસિંહ જાડેજાને 'અકિલા પરિવાર'એ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદની સુચના અને માર્ગદર્શન હેઠળ ગુનાખોરીને કાબુમાં લેવામાં તેઓ સતત સક્રિય રહ્યા છે. કાયદો વ્યવસ્થા કાયમ જળવાઇ રહે તે માટે શ્રી જાડેજા સતત પ્રયત્નશીલ રહેતાં અધિકારીની છાપ ધરાવે છે. તેમને મિત્રો, શુભેચ્છકો, અધિકારીઓ, કર્મચારીઓ તરફથી સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(1:18 pm IST)