Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ડો.વલ્લભભાઈ કથીરીયાનો જન્મદિન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ

રાજકોટઃ ''સેવા પરમો ધર્મ''ને વરેલા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાનો આજે જન્મદિન છે. વડાપ્રધાનશ્રીના આત્મ નિર્ભર ભારત અને મેઈક ઈન ઈન્ડિયા અવધારણાને સાર્થક કરવા સમગ્ર દેશમાં ગૌ- ચેતના જગાવી ગૌ પ્રોડકટ ક્ષેત્રે યુવા- મહિલા અને કૃષિ- ગૌ આધારિત અર્થ વ્યવસ્થામાં સતત કાર્યરત રહી આમુલ પરિવર્તન માટે કાર્યરત છે. કિશોરવયથી આર.એસ.એસ.ના સંસ્કાર સિંચન અને અનેક સંતો- મહાનુભાવોના આશીર્વાદથી રાજનીતિનો જનકલ્યાણના શ્રેષ્ઠ માધ્યમ તરીકે ઉપયોગ કરનારા ડો.વલ્લભભાઈએ ''ચેરીટી બીગીન્સ એટ હોમ''ના સિધ્ધાંતને જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે.

જેતપુર તાલુકાના ખીરસરા ગામે ૩૦ નવેમ્બરના રોજ સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા ડો.કથીરિયા સ્વબળ અને બુધ્ધિ પ્રતિભાના આધારે હંમેશા અવ્વલ નંબરે ઉર્તિણ થઈ, એસ.એસ.સી.બોર્ડમાં સેન્ટર ફર્સ્ટ રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્સર સર્જરીના નિષ્ણાંત તરીકે રાજકોટમાં એક પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્યાતી મેળવી. આજે પણ તેમની શ્રેયસ હોસ્પિટલ અને ક્રીટીકલ કેર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ માનવ સેવા પૂરી પાડી રહી છે. શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, વસુંધરા ટ્રસ્ટ, સદ્દભાવના ટ્રસ્ટ, શ્રીમતિ રેખાબેન કાતરિયા ટ્રસ્ટ, શીશુમંદિર પાટણવાવ ટ્રસ્ટ જેવા ૧૦થી વધુ ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.

ડો.કથીરિયા રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ૪-૪ વાર સાંસદ તરીકે ચૂંટાવાનો રેકોર્ડ ધરાવે છે અને તેમાંય રાજકોટ ૧૨મી લોકસભામાં ૩,૫૪,૯૧૬ મતથી દેશભરમાં સૌથી વધારે લીડથી ચૂંટાવાનો વિક્રમ ધરાવે છે. ૧૯૭૫-૭૭ની કટોકટી દરમ્યાન જેલવાસ પણ ભોગવ્યો છે. નવનિર્માણ આંદોલનની જે.પી. મુવમેન્ટમાં જોડાવાનું સદ્દભાગ્ય પણ ધરાવે છે. રાજકોટની જનતાએ તેમને ચેકડેમ સાંસદ અને મેળાના મંત્રી તરીકે નવાજયા છે.

૨૦થી વધારે દેશોનો પ્રવાસ કરી ભારતીય સંસ્કૃતિ અને વિચારધારાનો અવાજ સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં ડો.કથીરિયાનો અમૂલ્ય ફાળો રહ્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ તરીકે ગૌ ઉપાસના દ્વારા ગૌરક્ષા, ગૌસવર્ધન, ગૌપાલન અને ગૌ આધારિત કૃષિ, આરોગ્ય, પર્યાવરણ અને ગ્રામ્ય વિકાસ દ્વારા સ્વાવલંબી અને સંસ્કારી સમાજ રચનામાં કાર્યરત છે.(મો.૯૦૯૯૩ ૭૭૫૭૭)

(12:31 pm IST)