Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

વલ્લભભાઇની વફાદારીની 'હેલ્મેટ'થી રાજકીય 'માથુ' સલામતઃ હેપ્પી બર્થ ડે

ઉમ્ર થકા નહિ શકતી, ઠોકરે ગિરા નહિ શકતી, અગર જીને કી જિદ હો તો પરિસ્થિતિયાં ભી હરા નહિ શકતી

રાજકોટ શહેર ભાજપમાં અમૂકની દ્રષ્ટિએ નગણ્ય પણ અનેકની દ્રષ્ટિએ અગ્રગણ્ય શ્રી વલ્લભભાઇ પોલાભાઇ દુધાત્રાનો આજે જન્મદિન છે તેમણે આજે સવારે વોટસઅપ ગ્રુપમાં મૂકેલા સુપ્રભાતમ મેસેજમાં ઉપર મુજબની ઉત્સાહવર્ધક પંકિત છે તેમનો જન્મ ૧૫ નવેમ્બર ૧૯૬૧ના દિવસે કુવાડવામાં થયેલ. આજે ૫૯માં વર્ષના માર્ગે મંડાણ કરી દીધા છે. સરકારી નોકરીમાં ૫૮ વર્ષ નિવૃતિની ઉંમર ગણાય છે પરંતુ વલ્લભભાઇ નિવૃતિની ગણાતી ઉંમરમાં વધુ પ્રવૃતિ કરવાની વૃતિ ધરાવે છે. પાર્ટી સાથેની વફાદારીની હેલ્મેટે તેમનું માથુ રાજકીય રીતે સલામત રાખ્યુ છે. વિપક્ષી લાલચની રોંગ સાઇડમાં કદી ઘુસ્યા નથી. સમય સંજોગો મુજબ ઉપયોગ કરી શકાય તે રીતે સક્રીયતાનો 'સીટ બેલ્ટ' હાથવગો રાખે છે. કારકીર્દિના કાચ હંમેશા પારદર્શક રાખ્યા છે. રાજકારણના 'રોડ' પર જગ્યા મળે ત્યારે ગાડી સડસડાટ ચલાવી લ્યે છે પણ જગ્યા ન હોય ત્યારે ચોકમાં જ 'ચક્કર' લગાવી જાણે છે. તેઓ જાણે છે કે રાજકારણમાં ગાડી લાંબો સમય 'પડતર' રાખો તો જરૂર પડે ત્યારે 'સેલ્ફ' સ્ટાર્ર્ટ જ ન લાગે!

શ્રી વલ્લભભાઇ દુધાત્રા સામાંકાઠા વિસ્તારમાંથી ત્રણ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા શહેરના ડે.મેયર તેમજ શહેર ભાજપના ઉપપ્રમુખ-મહામંત્રી તરીકે રહી ચૂકયા છે. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાથી પ્રભાવિત છે. પડકારો સાથે પ્રિતની રીત તેમને માફક આવી ગઇ છે. જનસમર્થને તેમનો ઉત્સાહ અકબંધ રાખ્યો છે. જાહેર જીવનના અનુભવો અને મહાનુભાવોને જોઇને તેમને સમજાય ગયુ છે કે આપણુ ધાર્યુ થાય તો હરિકૃપા અને ધાર્યુ ન થાય તો હરિ  ઇચ્છા!

મો.૯૮૨૪૦ ૧૧૦૧૧ - રાજકોટ

(11:34 am IST)