Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વિશ્વ પ્રસિધ્ધ કાર્ડીઓલોજીસ્ટ પદ્મશ્રી ડો. તેજસ પટેલનો ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશઃ અભિનંદન વર્ષા

દેશમાં રોબોટીક એન્જીયોપ્લાસ્ટિ સર્જરીનો પ્રારંભ કરી તેજસભાઇએ ઇતિહાસ રચ્યો છે

વાપી : વિશ્વપ્રસિધ્ધ કાર્ડીઓ વાસ્કયુલર સર્જન પદ્મશ્રી ડો. તેજસભાઇ પટેલનો ગઇકાલ એટલે કે ૧૭મી એપ્રિલને મંગળવારના રોજ ૫૭મો જન્મદિવસ હતો. તેમના જન્મદિન નિમિતે ચોમરેથી તેમના ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

પ્રસિધ્ધ હૃદયરોગ નિષ્ણાંત ડો. તેજસભાઇના જન્મદિને તેમની યશસ્વી કારકિર્દીના કાર્ડિયોગ્રામ રિપોર્ટને નજીકથી નિહાળીએ તો...

૧૭મી એપ્રિલ ૧૯૬૩ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે તેજસભાઇનો જન્મ... સંઘર્ષની શરૂઆત બાળપણથી જ શરૂ થઇ. માત્ર પાંચ વર્ષની વયે માતા મૃદુલાબેન સ્વર્ગવાસી થયા. પરંતુ તેજસભાઇ નિરાશ ના થયા.

મામાનો સાથ લઇ ભણતરમાં જીવ પોરવ્યો. હોશિયાર અને તેજસ્વી તેજસભાઇ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઇ એમબીબીએસ કરી ગોલ્ડ મેડલ સાથે એમ.ડી. બન્યા. પરંતુ હજુ તેમને કંઇક ખૂટતુ હતું. અભ્યાસનો દોર આગળ ધપાવી ડી.એમ.એફ.સી.એસ.આઇ. એફ.એસ.સી.સી.ઇ.એસ. સી.એફ.એસ.સી.આઇ. જેવી ઉચ્ચ ડિગ્રી મેળવી.

ડો. તેજસભાઇએ મુંબઇની જસલોક હોસ્પિટલથી તબિબિ કારકિર્દીનો આરંભ કર્યો પરંતુ ગુજરાતના સાદે તેણે મુંબઇ છોડી અમદાવાદ આવી ગયા અને અહીં સિવિલ હોસ્પિટલમાં જોડાઇ દર્દીઓની સેવા શરૂ કરી.

આ દરમિયાન ડો. તેજસભાઇના જીવનમાં એક વળાંક આવ્યો તેમને વિશ્વના ખ્યાતનામ કાર્ડિઓલોજીસ્ટ જોડે કામ કરવાનો મોકો મળ્યો. એ તક એમણે ઝડપી લીધી. એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી અને સ્ટેન્ટીંગ સર્જરીમાં તેમની ખ્યાતિ ચોમેર ફેલાવા લાગી.

એમાં પણ ડો. તેજસભાઇની ટ્રાન્સ - રેડીયલ પ્રક્રિયા અદ્ભૂત બની. કેમકે આ પ્રક્રિયામાં દર્દીના હાથની નસ દ્વારા હૃદયમાં કે કિડનીમાં બ્લોક થયેલ વેઇન ને બલુન મારફતે ખોલી નાંખવામાં આવે છે. આ પ્રક્રિયાએ જ ડો. તેજસભાઇને વિશ્વભરમાં પ્રસિધ્ધી અપાવી.

ડો. તેજસભાઇની કારકિર્દી આગળ ધપતી ગઇ આપણને આશ્ચર્ય થશે પરંતુ પટેલ-૧, પટેલ-૨ અને પટેલ-૩ ના નામથી વિશ્વભરમાં ડો. તેજસભાઇના નામે હૃદયની નળીઓની કલોટ દુર કરવા એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફીમાં વપરાતી વિશિષ્ટ ડિઝાઇનની 'ડાયગ્નોસ્ટીક કેથેટર' પેટન્ટ કરાઇ છે.

બસ પછી તો જોવું જ શું હતું. વિશ્વના અનેક દેશોના તબીબો અમદાવાદ આવી તેજસભાઇ પાસે નવી શોધની તાલીમ લેવા આવવા લાગ્યા. તેમણે ઇન્ટરનેશનલ કાર્ડિઓલોજીસ્ટ તરીકે હજારો ઓપરેશનો કર્યા. પરંતુ તેઓ સતત એક જ વાત વિચારતા કે આ સર્જરી વેળાએ દર્દીને બને તેટલું ઓછું દર્દ થાય અને ઓછામાં ઓછું જોખમ રહે.

ડો. તેજસભાઇ એવા અપવાદરૂપ વૈજ્ઞાનિક તબીબ છે. જેઓની વિકસીત દેશોમાં પણ અભ્યાસ સંશોધન અને તાલીમ માટે જોરદાર ડિમાન્ડ છે. તબીબી ભૂતકાળ જોઇએ તો એવું જોવા મળતું કે, પશ્ચિમના દેશોના તજજ્ઞ તબીબો ભારત જેવા દેશોમાં આવીને નવા નવા સંશોધન અંગે તાલિમ આપતા હતા.

પરંતુ આ પરંપરાને ડો. તેજસભાઇએ તોડી... માત્ર તોડી જ નહિ સ્થિતિને વિપરીત કરી બતાવી. ડો. તેજસભાઇએ આજ સુધીમાં જર્મની, અમેરિકા, ફ્રાન્સ, સિંગાપોર, ચાઇના, થાઇલેન્ડ તથા મલેશિયા સહિતના અનેક દેશોમાં જઇને હૃદયરોગના દર્દીને સર્જરી કરવાની સાથે સાથે લાઇવ ડેમોસ્ટ્રેશન દ્વારા અન્ય તજજ્ઞ તબીબોને તાલિમ પણ આપી છે જે ભારત માટે એક ગૌરવની વાત છે.

ડો. તેજસભાઇ પાસે વિશ્વના પ૦૦ થી વધુ કાર્ડિયોલોજીસ્ટ તાલીમ લેવા આવી ચુકયા છે. જયારે ભારતના આશરે ૩૦૦૦ થી વધુ કાર્ડિયોલોજીસ્ટ તાલીમ લઇ ચુકયા છે. હૃદયરોગના ક્ષેત્રમાં સેવા આપવા માટે તેમની દોડધામ અવિરતપણે ચાલુ જ છે. સતત કંઇક નવું કરવું એ જ ઝંખના તેજસભાઇને રહ્યા કરે છે.  ગયા વર્ષના પ્રારંભમાં જ તેજસભાઇએ રોબોટ દ્વારા રોબોટીક એન્જીયોપ્લાસ્ટી કરી તબીબી જગતમાં એક અદ્ભૂત ક્રાંતિ લાવ્યા જેની નોંધ માત્ર ભારત જ નહીં વિશ્વભરમાં લેવાઇ.

ભારતથી તબીબી જગતના ડો. તેજસભાઇ એવા પ્રથમ લેખક સાબિત થયા છે. જેમનું લખેલું પુસ્તક પટેલ્સ અટલાસ ઓફ ટ્રાન્સરેડિયલ ઇન્ટરવેન્સન ધ બેઝિક્સ અમેરિકાથી પ્રસિધ્ધ થયું છે. એટલું જ નહિ તેમનું બીજુ પુસ્તક તો વિશ્વની ટ્રાન્સ રેડિયલ ટેકનીકની મોનોગ્રામ અને ટેકસ્ટબુક તરીકે સ્વીકારાયા છે.

ડો. તેજસભાઇએ પોતાની વર્ષોની મહેનત અદ્વિતિય સંશોધન અને અસાધારણ યોગદાન દ્વારા વૈશ્વિક ફલક પર ભારતને ગૌરવ અપાવતા ભારત સરકારે તેઓનું પદ્મશ્રી પુરસ્કાર દ્વારા સન્માન કર્યુ છે.

આ અગાઉ પણ રાષ્ટ્રપતિ દ્વારા ડો. તેજસભાઇ ને તેમના સંશોધન તથા તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ડો. બી.સી. રોય એવોર્ડથી સન્માન કરાયું છે. આ ઉપરાંત તેમને ડો. કે.એમ. શરણ એવોર્ડ પણ અપાઇ ચુકયો છે. તેજસભાઇની સિધ્ધીઓ વિશે લખવા બેસીએ તો દિવસો નીકળી જાય.

મેડિકલ આઇકોનમાં ગણના પામેલા તેજસભાઇ અતિ સરળ અને માયાળુ સ્વભાવના છે. તબીબી ક્ષેત્રે આજે ટોચનું સ્થાન ધરાવતા હોવા છતાં અભિમાન તેમના થી જોજનો દૂર રહ્યું છે.

તેજસભાઇ યશસ્વી કારકિર્દીના પ૬ વર્ષ પુર્ણ કરી પ૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ વેળાએ તબીબ જગતના આકાશમાં તેમના નામનો તારો સતત ચમકતો રહે તેવી 'અકિલા પરિવાર'ની હાર્દિક શુભકામનાઓ. ડો. તેજસભાઇ પટેલ (મો. ૯૮૨૪૮ ૨૧૧૪૬)

(11:57 am IST)