Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

શાહબુદીન રાઠોડનો જન્‍મદિન

લોકોને નિર્દોષ અને સરળ હાસ્‍ય મળી રહે તે માટે આજથી ‘યુ-ટયુબ' ચેનલનો પ્રારંભ

હાસ્‍ય કલાકાર શાહબુદીન રાઠોડનો આજે જન્‍મદિન છે. તેમનો જન્‍મ તા.૯-૧ર-૧૯૩૭નાં રોજ સુરેન્‍દ્રનગર જીલ્લાના થાનગઢમાં થયો હતો. આજે તેમણે ૮ર વર્ષ પુર્ણ કર્યા છે. 

શાહબુદીન રાઠોડે બીએબીએડ સુધી અભ્‍યાસ કર્યો છે. તેમના પત્‍નીનું નામ સબીરાબેન છે તેમને ૪ સંતાનો છે. જેમાં યાસ્‍મીન, નાઝમીન,આદીદ અને અફઝલનો સમાવેશ થાય છે ગુજરાતના જાણીતા હાસ્‍ય કલાકાર ઉપરાંત હાસ્‍ય લેખક અને આગવી શૈલી માટે શાહબુદીન રાઠોડ જાણીતા છે. શાહબુદીન રાઠોડે ૧૦ પુસ્‍તકો ગુજરાતીમાં અને ૧ પુસ્‍તક હિંદીમાં લખ્‍યું છે તેમના પુસ્‍તકોમાંથી ચાર બીજા પુસ્‍તકો ડો.જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.

શાહબુદીન રાઠોડે લખેલા પુસ્‍તકોમાં મારે કયાં લખવું હતું? હસતાં-હસાવતાં અણમોલ આતિથ્‍ય, સજ્જન મિત્રોના સંગાથે, દુઃખી થવાની કળા, શો મસ્‍ટ ગો ઓન, લાખ રૂપીયાની વાત, દેવુ તો મર્દ કરે, મારો ગધેડો કયાય દેખાય છે?, હાસ્‍યનો વરઘોડો, દર્પણ જુઠ ન બોલે (હીન્‍દી) સહીતનો સમાવેશ થાય છે.  હાસ્‍ય કલાકાર શ્રી શાહબુદીનભાઇ રાઠોડે ૮૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્‍યારે નિર્દોષ અને સરળ હાસ્‍ય લોકોને મળી રહે તે હેતુથી તેમની એક યુટયુબ ચેનલ શરૂ કરવામાં આવી રહી છે અને ગાના, સાવન, વાયન્‍ક જેવા તમામ પ્‍લેટફોર્મ પર શ્રી શાહબુદીનભાઇ રાઠોડને સર્ચ કરવાથી તેમના જોકસ અને હાસ્‍યની ઓડીયો સાંભળી શકાશે.જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા કવિ તુષાર શુકલએ જણાવ્‍યું છે કે રજુઆતમાં હલકા થયા વગર શ્રોતાને હળવાફુલ કરી શકવાનો કસબ સહેલો નથી. બાપને દીકરી સાથે બેસીને સાંભળી શકે એવી સંસ્‍કારસભર રજુઆત કે જેમાં શ્રોતાને જાણ પણ ન થાય ને જીવન દર્શનનું એક મોતી એની ગાંઠે બંધાવી દે એવા છે આપણા શાહબુદીન રાઠોઙ એમણે પોતાના ધ્‍યેયમંત્રને પોતાની સુદીર્ઘ કારકીર્દી દ્વારા ચરીતાર્થ કર્યો છે.  હાસ્‍યનું સ્‍તર હેઠે લાવવા કરતા પોતે મંચ પરથી હેઠે ઉતરી જવું. એમની સાથે મંચ પરને મંચ સિવાય પણ સમય વીતાવવાનો આનંદ માણ્‍યો છે. એમની સહજ રજુઆતશૈલી એમને નોખા પાડે છે ને એમનું અવલોકન એમને અનોખા સિધ્‍ધ કરે છે. અને હા એમની પાસે એમને પ્રિય એવી દેશ વિદેશની કેટલીય વસ્‍તુઓનો પણ સંગ્રહ છે.  તાજેતરમાં સાયલા ખાતે આયોજીત જગદીશ ત્રિવેદી દ્વારા આયોજીત  શાળાના એક કાર્યક્રમમાં શાહબુદીન રાઠોડે  જણાવ્‍યું હતું કે હાસ્‍ય ક્ષેત્રે મારૂ પ્રદાન એ  ડો. જગદીશ ત્રિવેદી છે.

 સંકલન

ડો.જગદીશ ત્રિવેદી

હાસ્‍ય કલાકાર-

સુરેન્‍દ્રનગર

શાહબુદીન રાઠોડના શિષ્‍ય

(4:24 pm IST)