Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

શીઆ ઇમામી ઇસ્માઇલી કોમના ૪૯માં આગાખાનનો આજે જન્મ દિવસ : ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી

વાપી તા. ૧ર : શીઆ ઇમામી ઇસ્માઇલી કોમના ૪૯માં આગાખાનનો આજે ૧૩મી ડિસેમ્બરના રોજ જન્મ દિવસ છે. તેમના આ જન્મદિનને ઉજવવા માત્ર ભારત જ નહિ વિશ્વભરમાં વસતા તેમના અનુયાયીઓ આતુર બન્યા છે.

આગાખાનનો જન્મ ૧૩મી ડિસેમ્બર ૧૯૩૬ ના રોજ સ્વીટ્ઝરલેન્ડના જીનીવા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પ્રિન્સ અલીખાન તથા તેમના માતાનુ નામ તાજદૌલા અલીખાન છે.

આગાખાન સાહેબનું બાળપણ નૈરોબી-કેન્યા ખાતે વિત્યુ ત્યારબાદ ૯ વર્ષ સુધી સ્વીટ્ઝલેન્ડમાં લે રોજા સ્કુલમાં ભણવા ગયા અને તેમણે ૧૯પ૯માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી ઇસ્લામિક હિસ્ટ્રીમાં બી.એ.ઓનર્સની ડિગ્રી મેળવી.

પરંતુ માત્ર ર૦ વર્ષની ઉમરે એટલે કે ૧૧ મી જુલાઇ ૧૯પ૭ ના રોજ તેઓ દાદા સરસુલતાન મોહમદ શાહ આગાખાનના સ્થાને શિયા ઇમામી ઇસ્માઇલી જમાતના ઇમામ બન્યા હતા.

નામદાર આગાખાન સાહેબ ઇસ્લામના દૃષ્ટિકોણ તરીકે વિચાર, આધ્યાત્મિક વિશ્વાસ પર ભાર મુકે છે જે દયાભાવ અને સહનહકારની શીખ આપે છ.ે તેમનું માનવું છે કે દરેક વ્યકિતના હકની સુરક્ષાએ ઇમામનો આદેશ છે.

આજે ઇસ્માઇલી જમાત, માત્ર ભારત જ નહિ વિશ્વના કેટલાય દેશોમાં વસેલી છે. ત્યારે નામદાર આગખાન સાહેબનો સ્પષ્ટ આદેશ છે કે દુનિયાના જે પણ દેશમાં વસો ત્યાંના કાયદા કાનુનનુ સખ્તાઇથી પાલન કરો અને બીજા ધર્મને આદર આપો.

આટલું જ નહિ વર્ષોથી તેઓ પોતાની કોમના બચ્ચાઓને શિક્ષિત બનાવવા અથાગ મહેનત કરે છે. વિશ્વમાં પ૦ થી વધુ દેશોમાં તેમના નામની સ્કુલ કોલેજો ચાલુ છે દીકરાઓની સરખામણીમાંં દીકરીઓને પણ ઉચ્ચ કેળવણી આપવામાં પાછા નથી પડતા માત્ર આર્થિક મુજબુરીથી કોઇ બાળક કેળવણી વિહોણુ ના રહેવુ જોઇએ એવો આગાખાન સાહેબનો દ્રઢ આગ્રહ રહ્યોછે. કોમના વિકાસ અર્થે વારંવાર અલગ-અલગ યોજનાઓ બનાવી સહાયનો ધોધ વહાવતા હોય છે.

આગાખાન સાહેબ કરોડો અબજોની સંપતિના માલીક છે. પરંતુ પોતે સાદગીથી જીવન જીવી પોતાની કોમના ઉષ્કર્ષ માટે ખર્ચ કરવામાં પાછા નથી પડતા.

જયાં જયાં ઇસ્માઇલી બિરાદરો આર્થિક દ્રષ્ટિએ થોડા નબળા હોય ત્યાં આગાખાન ફાઉન્ડેશન સતત તેમની સાથે હોય છે. એક રીતે કહીએ તો આગાખાન સાહેબ પોતાની કોમના અનુયાયીઓના સુખદુઃખમાં સદા સહભાગી થતા રહ્યા છે.

(9:59 am IST)