Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પૂર્વ મેયર જનકભાઈ કોટકનો કાલે જન્મદિનઃ સેવામય ઉજવણી કરાશે

રાજકોટ, તા. ૫ :. જનસંઘ અને ભાજપના પાયાના પથ્થર સમા, અડિખમ નેતા અને પૂર્વ મેયર જનકભાઈ કોટકના કાલે જન્મદિન છે. તેઓએ ૧૯૭૫થી સંઘ અને ભાજપ સાથે જોડાયેલા અને રાજકોટ કોર્પોરેશનની સ્થાપનાથી દશકાઓ સુધી તેઓ કોર્પોરેટર પદની ચૂંટણી લડતા અને જીત મેળવતા આવ્યા છે. તેઓને કોર્પોરેશનમાં શાસક પક્ષ નેતા, મેયર, ડે. મેયર તેમજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પદે ફરજ બજાવી લોકસેવા કરી હતી. મેયર બન્યા પછી પણ સાદુ જીવન અને ઉચ્ચ વિચારો જાળવી રાખી તેમણે આદર્શ જનસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતું. જનકભાઈએ મેયર તરીકે તેના કાર્યકાળમાં ગરીબ દર્દીઓને બીપીએલ કાર્ડ, જીવદયા માટે ચકલીના માળાનું વિતરણ વગેરે અને પરોપકારી કાર્યોનો પ્રારંભ કરી અને લોકચાહના મેળવેલ. ગુજરાતના ગૌરવરૂપ પરંપરાગત જંકશન પ્લોટની ગરબી મંડળનું વર્ષોથી સફળતાથી સુકાન સંભાળી રહ્યા છે. પ્રજામાં રાજા તરીકે જાણીતા છે અને પડકારો વચ્ચે તેઓ નિષ્કલંક રીતે મેયરપદે અઢી વર્ષ પૂર્ણ કર્યા હતા. રાષ્ટ્રીય ભાજપના કારોબારી સભ્ય જનકભાઈ પોતાની પ્રમાણિક, સેવાભાવી, બિનવિવાદાસ્પદ, જાહેર જીવનની કારકિર્દીને લઈને તમામ રાજકીય સમય પક્ષોમાં પણ પોતાની નીતિ-રિતી લઈને અનેરી લોકચાહના ધરાવે છે. સ્વ. ચીમનભાઈ શુકલ પછી સૌથી વધુ સમય જેલમાં લોકકાર્યો માટે ગયેલ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ, પૂર્વ ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સ્વ. અરવિંદભાઈ મણીયાર, સ્વ. ચિમનભાઈ શુકલ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહિતના તમામ ટોચના આગેવાનો સાથે નિકટનો ધરોબો જનકભાઈ ધરાવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તૃતિય વર્ષ શિક્ષિત જનકભાઈ આજની તારીખે પણ સીવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીનારાયણ, દરિદ્રનારાયણ, અબોલ જીવો, માનવતાની સેવામાં સતત સક્રીય રહે છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિમાં પણ વરિષ્ઠ આગેવાન તરીકે સભ્યની જવાબદારી નિભાવી રહ્યા છે. રઘુવંશી સમાજના પણ વરિષ્ઠ અગ્રણી, રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા ભૂતકાળમાં આપી ચૂકયા છે તેમજ શ્રી રઘુવંશી પરિવાર સહિતની તમામ જ્ઞાતિ સંસ્થાઓમાં સક્રિય રહ્યા છે. તેઓ ૭૪મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કાલે તેમના શુભેચ્છકો, સુપુત્રો રાજુભાઈ કોટક, અમિતભાઈ કોટક સહિતના પરિવારજનો દ્વારા તા. ૬ રવિવારે સવારે ૮ થી ૯ દરમ્યાન રેસકોર્ષ ચબૂતરા પાસેથી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પુરતુ સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખીને, માસ્ક સહિતના કાયદાને પુરતુ માન આપીને એનિમલ હેલ્પલાઈનના સહકારથી ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડા-રામપાતર, ગાયમાતાને પાણી પીવાની કુંડી તથા તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરી જન્મદિનની સેવામય ઉજવણી કરાશે. જનકભાઈ કોટક મો. ૯૯૭૯૯ ૫૦૨૫૬

(1:03 pm IST)