Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

પુરૂષાર્થના પાયા પર પ્રતિષ્ઠાની ઈમારત સર્જતા બાંધકામ સમિતિના ચેરમેન

ભાજપના રાડિયા કરે સમસ્યાના ફાડિયાઃ મનીષ લોકસેવામાં અહર્નિશ... હેપ્પી બર્થ ડે

ઘડીયાલની ચાવી ફેરવવાથી ફકત સાચો સમય મેળવી શકાય પરંતુ સારો સમય મેળવવા માટે તો સમયની સાથે ચાલવુ પડે. બહુ ઓછા લોકો સમયની સાથે ચાલીને સફળતા મેળવી શકે છે. સારી ઘડીયાલની સાથે સારા સમયવાળા મહાનુભાવો પૈકીના એક એટલે શાંત હોવા છતા 'રાડિયા' તરીકે ઓળખાતા મનીષ રાડિયા...

 

વોર્ડ નં. ૨ ના ભાજપના કોર્પોરેટર શ્રી મનીષ રાડિયાનો જન્મ ૧૯૬૪ના વર્ષની ૯ ઓગષ્ટે આફ્રિકાના મોમ્બાસા ખાતે થયેલ. આજે જીવનના છપ્પનમાં વર્ષના કમાડ ઉઘડયા છે. ૧૯૬૮થી તેમણે રાજકોટને કર્મભૂમિ બનાવી છે. તેમને રાજકોટની ધરતી સાથે લગાવ છે. ૧૯૮૫થી ભાજપની કંઠી બાંધીને લોકસેવા કરી રહ્યા છે. ભાજપ સંગઠનમાં શહેર મંત્રી તરીકે ઉલ્લેખનીય કામગીરી કરેલ. ૨૦૧૫માં કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ પ્રથમ અઢી વર્ષ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે તંદુરસ્ત કામગીરી કરેલ. યશસ્વી આરોગ્ય સેવા માટે તેમના કાર્યકાળમાં કોર્પોરેશનને એવોર્ડ મળેલ છે. હાલ બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કાર્યરત છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડીએ અને રૈયા ચોકડીએ ઓવરબ્રીજ, સાધુ વાસવાણી રોડ પર અદ્યતન લાયબ્રેરી રસ્તા, ગટર અને અન્ય વિકાસ કામો તેમના કાર્યકાળની જાજરમાન ઝલક છે. તેઓ વેદ જાણનારા અને પ્રસ્વેદ પાડનારા જનપ્રતિનિધિ છે. સતત સક્રીય રહી વોર્ડ સાથે આત્મીય નાતો જાળવ્યો છે. લોક સમસ્યાના ત્વરિત ઉકેલ માટે પ્રયત્નશીલ હોય છે. ભાજપના રાડિયા, કરે સમસ્યાના ફાડિયા...

શ્રી મનીષ રાડિયા દાયકાઓથી રાજકીય મહારથીઓની નજીક રહ્યા છે એટલે 'આટીઘૂટી'ના જાણકાર છે. ગુલાબના ચાહકોએ 'કાંટા'ને ગણવાના નહિ પણ અવગણવાના હોય તે તેમને અનુભવે સમજાય ગયુ છે. તેઓ માને છે કે 'વહ રિસ્તા બડા પ્યારા હોતા હૈ, જીસમેં ન હક્ક, ન શક, ન અપના, ન પરાયા, ન દૂર, ન પાસ, સિર્ફ અપનેપન કા અહેસાસ હી અહેસાસ... શ્રી મનીષ રાડિયા આજે જન્મદિન નિમિતે શુભેચ્છાનો સાભાર સ્વીકાર કરી અલંકારિક શૈલીમાં પ્રત્યુત્તરવાળી રહ્યા છે.

વદ અને સુદ તો આંખોનો આભાસ છે, આપની શુભકામનાથી કાયમ પૂનમ જેવો ઉજાસ છે.

મો. ૯૮૨૪૫ ૮૧૯૯૯ - રાજકોટ

(10:19 am IST)