Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

વેદાંત સાથે બ્રહ્મ - સંબંધ સ્થાપનાર બ્રહ્મવેદાંતજીનો આજે જન્મદિન

માધવપુર ઓશો આશ્રમના સ્વામી બ્રહ્મવેદાંતજીના ૮૬માં વર્ષમાં પ્રવેશ * આધ્યાત્મિક ઉંડાણે અને ચિંતનની ઉંચાઈએ બિરાજતા મહાત્માને શાબ્દિક વંદન

સૌરાષ્ટ્રના સાગરકાંઠે માંગરોળથી ૩૦ કિ.મી.ના અંતરે માધવપુર (ઘેડ) નામનું એક નાનું ગામ છે. ગામના પાદરમાં ''ઓશો આનંદ આશ્રમ'' છે. પૂ.સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજી એક જાગૃત હસ્તી છે. ઓશો અને પૂ. રામદુલારે બાપુ પાસેથી તેઓએ જીવનવિકાસ માટેની જે સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે તે જાગૃતિની પ્યાસવાળા મુમુક્ષુ સાધકોને ખૂબ જ પ્રેમ અને આત્મભાવથી પીરસતા રહે છે. નિસર્ગના ખોળે પથરાયેલ માધવપુરનો આ આશ્રમ સાચા અર્થમાં આનંદના ધામ જેવો, શાંતિના સરોવર જેવો છે. આ ઓશો આનંદ આશ્રમમાં દરરોજ સવારે અને સાંજે પૂ.સ્વામીજી અધ્યાત્મપથના યાત્રી એવા સાધક મિત્રોને જાગરણની દિશામાં માર્ગદર્શન અને પ્રેરણા આપતા વાર્તાલાપો - પ્રવચનો આપે છે. આ સીલસીલો ઘણા વર્ષોથી એકધારો ચાલતો આવેલ છે. અત્યાર સુધી માનવીના આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગી થાય તેવા વિવિધ વિષયો પર તેઓએ ઘણા પ્રવચનો આપેલા છે, જેમાંથી સાધકોને ખૂબ જ મૂલ્યવાન માર્ગદર્શન અને પ્રેરણા મળતા રહ્યા છે.

સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજી ઓશોના શિષ્ય- સન્યાસી છે. ઓશોની ફિલસૂફી તો તેમના જીવનમાં વણાઈ ગયેલી છે તે સાથે માનવીના આધ્યાત્મિક વિકાસની યાત્રામાં વિશેષ પ્રકાશ પાડતી ગુર્જીએફની ફિલસૂફીને પણ તેઓશ્રીએ આત્મસાત્ કરી છે. ઓશો અને ગુર્જીએફ - એમ એક સાથે બે પ્રબુદ્ધ ચેતનાની વિચારધારા અને જીવનપદ્ધતિને પચાવીને જીવન જીવતી આવી હસ્તીઓ વિશેષ રીતે અપવાદરૂપ હોય છે.

માંગરોળથી ૩૦ કિ.મી. દૂર સૌરાષ્ટ્રના સાગરકાંઠે માધવપુર (ઘેડ)ના પાદરે એક જીવંત આધ્યાત્મિક કેન્દ્ર આવેલુ છે, જે 'ઓશો આનંદ આશ્રમ'ના નામથી જાણીતું છે. નારિયેળીની મનોરમ્ય વનરાજીથી આચ્છાદિત આ આશ્રમમાં પૂ.સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજી વર્ષોથી ધૂણી ધખાવીને બેઠા છે. સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજી વર્તમાન યુગની એક રહસ્યવાદી પ્રબુદ્ધ ચેતના ઓશોના શિષ્ય - સન્યાસી છે. એવા જ એક પરમસિદ્ધ અવધૂત શ્રી રામદુલારે બાપુએ પણ સ્વામીજીની જીવનજાગૃતિની યાત્રામાં ખૂબ મહત્વનું પ્રદાન કર્યુ છે. તે સાથે તેઓએ ગુર્જીએફની જીવનપ્રણાલી અને ફિલસૂફીનો અભ્યાસ કરીને તે આત્મસાત્ કરી છે. પૂ.સ્વામીજીની પોતાની જીવન જીવવાની પદ્ધતિમાં ઓશો અને ગુર્જીએફ - એમ એકસાથે બે પ્રબુદ્ધ ચેતનાની વિચારધારાનો સમન્વય થયેલો છે. પૂ.સ્વામીજીએ આ પ્રવચનોના માધ્યમથી જાગરણની દિશાના યાત્રીઓને જે સમજ અને માર્ગદર્શન આપ્યુ છે, જે પ્રકાશ પ્રદાન કર્યો છે, તેનો ખરા અર્થમાં સાધકો લાભ લેશે તો તેમનો આ પ્રયાસ સાર્થક નીવડશે.

અત્યાર સુધીમાં સ્વામીજીએ ભગવદ્દ ગીતા, પતંજલી યોગસૂત્ર, વિજ્ઞાન ભૈરવ તંત્ર, અંતર્યાત્રા, સાધનામાર્ગ, ધર્મ અને સાધના, અંતઃકરણની ઓળખ, ગંગાસતીના ભજનો, ગુર્જીએફની ફીલોસોફી અને શિક્ષણપ્રણાલી અને એવા બીજા ઘણા વિષયો ઉપર પ્રવચનો આપ્યા છે.

સ્વામીજી કહે છે કે સમાજ અને પ્રકૃતિ પાસેથી આપણે ઘણુ મેળવ્યુ છે. આપણી ઉપર એનું એક ઋણ છે, જે ચુકતે કરવાની આપણી જવાબદારી છે. આવા પાવન ખ્યાલ સાથે આશ્રમ પાસે વર્ષોથી ખાલી પડેલી અવાવરૂ ખાણોને નવસાધ્ય કરીને આ વિસ્તારને એક દેવભૂમિ બનાવવાનો યજ્ઞકાર્ય જેવો એક ભગીરથ પ્રયોગ અત્યારે ચાલી રહ્યો છે.(૩૭.૭)

(1:55 pm IST)